મુંબઈની જુહુ પોલીસે મનોરંજન જગતના જાણીતા ગાયક અને સંગીતકાર આદિત્ય રામ શંકર વિરુદ્ધ ગંભીર ગુના હેઠળ FIR નોંધી છે. એક મહિલાએ આદિત્ય પર લગ્નના ખોટા વચનો આપીને તેનું જાતીય શોષણ કરવાનો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે. આ હાઇ-પ્રોફાઇલ કેસ સામે આવ્યા બાદ સંગીત ઉદ્યોગ અને સોશિયલ મીડિયા પર ભારે ખળભળાટ મચી ગયો છે. જુહુ પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ ટૂંક સમયમાં જ આદિત્ય રામ શંકરને પૂછપરછ માટે હાજર રહેવા સમન્સ પાઠવશે અને નોટિસ જારી કરશે.


આદિત્ય રામ શકંર પર જાતીય શોષણનો આક્ષેપ

જુહુ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, પીડિત મહિલા આશરે એક વર્ષ પહેલા એક કોમન ફ્રેન્ડ (પરસ્પર મિત્ર) ના માધ્યમથી આદિત્ય રામ શંકરના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી. આરોપ છે કે આદિત્ય મહિલાને મુંબઈના જુહુ વિસ્તારની એક હોટલમાં લઈ ગયો હતો અને લગ્ન કરવાનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સિવાય તેણે અલગ-અલગ સમયે મહિલાનું વારંવાર જાતીય શોષણ કર્યું હતું. જોકે, જ્યારે પણ મહિલા તેના પર લગ્ન માટે દબાણ કરતી ત્યારે આદિત્ય વાતને ટાળી દેતો હતો.

BNS ની કલમ 69 હેઠળ ગુનો દાખલ

મહિલાની ફરિયાદના આધારે જુહુ પોલીસે સંગીતકાર આદિત્ય રામ શંકર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 69 હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પીડિતાના જણાવ્યા અનુસાર, ૨૫ મેના રોજ જ્યારે તેણે આદિત્ય અને તેના પરિવારને લગ્નની તારીખ અંગે પૂછ્યું, ત્યારે આદિત્યએ ચોંકાવનારો જવાબ આપતા કહ્યું કે, "તમે અમારી જાતિના નથી, તેથી આપણે લગ્ન ન કરી શકીએ." આ સાંભળીને પીડિતાને અહેસાસ થયો કે તેની સાથે છેતરપિંડી થઈ છે, જેથી તેણે તુરંત પોલીસનો સંપર્ક કરીને કડક કાર્યવાહીની માંગ કરી હતી.

પ્રોડક્શન ડિઝાઇનર સૈની એસ. જોહરે પણ આંતરિક તપાસમાં દોષિત

મનોરંજન જગતમાં જાતીય સતામણીનો આ કોઈ પહેલો કિસ્સો નથી. આ પહેલા ૨૬ મેના રોજ ચંદીગઢ પોલીસે ફિલ્મ "ધુરંધર" ના પ્રોડક્શન ડિઝાઇનર સૈની એસ. જોહરે વિરૂદ્ધ પણ સેક્ટર 17 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે સૈની તેને કામના બહાને ચંદીગઢની ફાઇવ સ્ટાર હોટેલમાં લઈ ગયો હતો, જ્યાં તેને નશીલું પીણું પીવડાવીને તેની પર જાતીય હુમલો કર્યો હતો અને આખી રાત બંધક બનાવી રાખી હતી. પોલીસ ધરપકડ કરે તે પહેલાં જ ફિલ્મના પ્રોડક્શન હાઉસ (B62 સ્ટુડિયો) ની આંતરિક સમિતિએ સૈની જોહરેને જાતીય સતામણીના કેસમાં દોષિત જાહેર કર્યો હતો અને તેનું નામ ફિલ્મ તેમજ તેની સિક્વલના ક્રેડિટ્સમાંથી હટાવી દીધું હતું.


આ પણ વાંચો : Entertainment: ગુરુ રંધાવા જીમ ફાયરિંગ કેસ, દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, લોરેન્સ ગેંગના 2 શૂટરની ધરપકડ

  • Follow us on: