બોલીવુડમાં કામ મામલે ભેદભાવ થઈ રહ્યા છે. સંગીતકાર એ.આર. રહેમાનની સાંપ્રદાયિકતા પર ટિપ્પણીને લઈને દરરોજ કોઈને કોઈ સમાચાર સામે આવે છે. રહેમાન સિને ઉદ્યોગમાં "સાંપ્રદાયિક ભેદભાવ" ની ટિપ્પણી કરી ફસાઈ ગયા છે. જો કે આ નિવેદન બાદ તેમણે આ મુદે વીડિયો શેર કરી ખુલાસો પણ કર્યો હતો. પરંતુ છતાં પણ હવે "સાંપ્રદાયિક ભેદભાવ"ની ટિપ્પણી સમાચારમાં હેડલાઈન બને છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં પીઢ અભિનેત્રી વહીદા રહેમાને પણ આ મામલે પોતાના મંતવ્યો શેર કર્યા છે.


રહેમાનની સાંપ્રદાયિક ટિપ્પણી પર વહીદા રહેમાને આપ્યો જવાબ

શાંતિથી રહો, આ આપણો મુલ્ક છે. સંગીતકાર રહેમાનની સાંપ્રદાયિક ટિપ્પણી મુદ્દે એક પ્રતિષ્ઠિત મીડિયા સાથે વાત કરતાં દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાને આ જવાબ આપ્યો. આ ઇન્ટરવ્યુમાં જયારે પીઢ અભિનેત્રી વહીદાને એ.આર. રહેમાનના નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો, "હા, મેં તેના વિશે વાંચ્યું છે. પણ હું આ મામલામાં વધુ ઊંડી ઉતરવા માંગતી નથી. જ્યારે બધું બરાબર ચાલી રહ્યું હોય ત્યારે મને નથી લાગતું કે આવી સામાન્ય બાબત પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. દરેક દેશમાં આવી નાની-નાની ઘટનાઓ બને છે.

જીવનમાં ઉતાર-ચઢાવ આવ્યા કરે છે, વહીદા રહેમાન

આ ઇન્ટરવ્યુમાં વધુમાં વહીદા રહેમાને કહ્યું કે  શક્ય છે કે રહેમાનને પૂરતું કામ ન મળી રહ્યું હોય, તેથી જ તેમણે આ નિવેદન આપ્યું હોઈ શકે. પરંતુ જીવનમાં ઉતાર-ચઢાવ આવ્યા કરે છે. કયારેક આપણે વધુ વ્યસ્ત હોઈએ છીએ. તો કયારેક કામ ઓછું હોય છે. આપણે કોના પર વિશ્વાસ કરવો જોઈએ, અને કેટલો વિશ્વાસ કરવો જોઈએ? ભલે તે સાચું હોય કે ન હોય, આપણે શા માટે સામેલ થવું જોઈએ? હું એટલું જરૂર કહીશ કે આ ઉંમરે હું કોઈ પણ બાબતમાં સામેલ થવા માંગતી નથી. શાંતિથી તમારું જીવન જીવો; આ આપણો દેશ છે. બસ ખુશ રહો. હું એટલું જ કહી શકું છું.

એ.આર.રહેમાનની ટિપ્પણી પર સેલેબ્સની પ્રતિક્રિયા

ઓસ્કાર એવોર્ડ વિજેતા સંગીતકાર એ.આર. રહેમાનની સાંપ્રદાયિક ભેદભાવની ટિપ્પણી પર કેટલાક સંગઠનો અને નેતાઓ દ્વારા આક્રોશ વ્યકત કરવામાં આવ્યો હતો. એક ઇન્ટરવ્યુમાં સંગીતકારે આ ટિપ્પણી કરી હતી. તેમની આ ટિપ્પણી પર બોલીવુડ અને ઇન્ડસ્ટ્રી બહારના લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. રામગોપાલ વર્મા, અરુણ ગોવિલ, સોનુ નિગમ, શંકર મહાદેવન, જાવેદ અખ્તરથી લઈને અનેક સેલેબ્સ સાંપ્રદાયિક ભેદભાવ ના થતા હોવાનો અભિપ્રાય આપ્યો હતો. જયારે અનુપ જલોટાએ તો તેમને ફરી હિન્દુ બનવા સુધીની અપીલ કરી હતી. 


આ પણ વાંચો : Salman Khan એ પોતાના ભાણિયાઓ સાથે ઉજવ્યો પ્રજાસત્તાક દિવસ, 'બેટલ ઓફ ગલવાન'નું ગીત ગાયું

  • Follow us on: