મુંબઈમાં અભિનેત્રી રૂચિ ગુર્જરે એક શોના સ્ક્રીનિંગ દરમિયાન નિર્માતા-દિગ્દર્શક માન સિંહને ચંપલથી માર માર્યો હતો. તે ગુસ્સે થતી પણ જોવા મળી રહી છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સાથે તેણે નિર્માતા પર છેતરપિંડીનો પણ આરોપ લગાવ્યો છે.
રૂચિ ગુર્જરે ચંપલથી દિગ્દર્શક પર કર્યો હુમલો
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે બઈના એક થિયેટરમાં 'સો લોંગ વેલી' ફિલ્મના સ્ક્રીનિંગનો છે. જેમાં અભિનેત્રી રૂચિ ગુર્જર નિર્માતાઓ સાથે દલીલ કરતી વખતે બૂમો પાડતી જોવા મળે છે. ત્યાર બાદ તે પોતાનો ગુસ્સો ગુમાવી દે છે અને નિર્માતા માન સિંહ પર ચંપલથી હુમલો કરે છે. વીડિયોમાં એવું જોવા મળ્યું હતું કે અભિનેત્રીના સમર્થકો નિર્માતાના આગામી પ્રોજેક્ટનું પોસ્ટર પકડીને રાખે છે જેના પર રેડ ક્રોસનું નિશાન પણ છે. કેટલાક પોસ્ટરોમાં નિર્માતાઓને ગધેડા પર બેઠેલા બતાવવામાં આવ્યા છે. આ બતાવે છે કે અભિનેત્રી વિરોધ કરવાના ઇરાદાથી ત્યાં પહોંચી હતી.
અભિનેત્રીએ નિર્માતા પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો
અભિનેત્રી રૂચિ ગુર્જરે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં નિર્માતા કરણ સિંહ ચૌહાણ વિરુદ્ધ 25 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવીને FIR નોંધાવી છે. અભિનેત્રીએ દાવો કર્યો છે કે તેણે આ પૈસા કરણ ચૌહાણની કંપનીના સ્ટુડિયો એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.
જાણો શું છે સમગ્ર મામલો?
આ આખો મામલો 2023માં શરૂ થયો હતો જ્યારે રુચિ ગુર્જર કરણ સિંહ ચૌહાણને મળી હતી. અભિનેત્રીએ આરોપ લગાવ્યો હતો કે કરણે તેનો પરિચય નાઝિયા શેખ નામની મહિલા સાથે કરાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તે સોની ટીવીમાં કામ કરે છે અને તેની પ્રસ્તાવિત સિરિયલને મંજૂરી આપશે. નિર્માતાએ અભિનેત્રીને તેના આગામી પ્રોજેક્ટમાં સહ-નિર્માતા તરીકે ઉમેરવાની વાત કરી હતી. ત્યાર બાદ કરણે અભિનેત્રી પાસેથી સિરિયલ બનાવવા માટે પૈસા માંગ્યા અને અભિનેત્રીએ અનેક હપ્તામાં કુલ 25 લાખ રૂપિયા આપ્યા. જોકે, જ્યારે અભિનેત્રીને સિરિયલના નિર્માણ વિશે કોઈ માહિતી ન મળી ત્યારે રુચિએ મહિલા સાથે વાત કરી હતી. પછી તેણે કહ્યું કે તે કોઈ પ્રોજેક્ટમાં સામેલ નથી. અભિનેત્રીને લાગ્યું કે આ બધું છેતરપિંડીનો કેસ છે અને તેણે તેના પર કાર્યવાહી શરૂ કરી હતી.













