'કાંટા લગા ગર્લ' શેફાલી જરીવાલાએ માત્ર 42 વર્ષની ઉંમરે અચાનક જ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધન બાદ પતિ પરાગ ત્યાગી અને માતાની હાલત ખૂબ જ ખરાબ છે. અભિનેત્રીના અંતિમ સંસ્કાર શનિવારે સાંજે થયા હતા જ્યાં પરાગ તેમની પત્નીને આંસુઓથી વિદાય આપતા જોવા મળ્યા હતા તો બીજી તરફ તેમની માતા પણ દિકરીને અંતિમ વિદાય આપતા ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી. ત્યારે હવે મૃત્યું પહેલા અભિનેત્રી સાથે એ રાત્રે શું થયું એ અંગે માહિતી સામે આવી છે.
એ રાત્રે શેફાલી જરીવાલા સાથે....
શેફાલી જરીવાલા છેલ્લા 7-8 વર્ષથી યુવાન દેખાવવા માટે દવાઓ(એન્ટી એજિંગ સારવાર) લઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. અભિનેત્રીના ઘરે 27 જૂને પૂજા હતી અને તેને ઉપવાસ કર્યો હતો અને એ જ દિવસે તેણે એન્ટી એજિંગ દવાનું ઇન્જેક્શન લીધું હતું. ત્યાર બાદ રાત્રે અભિનેત્રીની તબિયત ઘણી બગડી હતી. પોલીસ તપાસમાં અત્યાર સુધી જાણવા મળ્યું છે કે કાર્ડિયાક અરેસ્ટનું મુખ્ય કારણ દવાઓ હોઈ શકે છે.
શેફાલી જરીવાલા રાત્રે તબિયત અચાનક બગડી
મળતી માહિતી મુજબ, શેફાલી જરીવાલાની તબિયત રાત્રે 10થી 11 વાગ્યાની વચ્ચે અચાનક બગડી ગઈ. તેનું શરીર ધ્રુજવા લાગ્યું અને તે બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જ્યારે અભિનેત્રીની તબિયત બગડી તે સમયે પતિ પરાગ, માતા અને કેટલાક અન્ય લોકો પણ હાજર હતા. ફોરેન્સિક ટીમે ઘરમાંથી ઘણી પ્રકારની દવાઓ જપ્ત કરી છે જેમાં એન્ટિ-એજિંગ શીશીઓ, વિટામિન સપ્લિમેન્ટ્સ અને ગેસ્ટ્રિક ગોળીઓનો સમાવેશ થાય છે.
અભિનેત્રીના લગ્ન જીવનમાં બધું બરાબર
હકીકતમાં શેફાલી જરીવાલાના લગ્ન જીવનમાં કોઈ વિવાદ કે લડાઈના કોઈ સંકેત નથી. પોલીસ અને ફોરેન્સિક ટીમ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને મેડિકલ તપાસના આધારે આગળની કાર્યવાહી કરશે. ગઈકાલે રાત્રે મુંબઈ પોલીસ અને ફોરેન્સિક ટીમ શેફાલીના ઘરે પહોંચી હતી અને ઘરની અંદર હાજર ઘણી વસ્તુઓની તપાસ કરી હતી. પરિવારના સભ્યો અને ઘરમાં હાજર અન્ય સભ્યોની પૂછપરછ કરવામાં આવી છે.