દિલ્હીના રસ્તાઓ પર સ્ટાઇલિશ અંદાજમાં મુંબઈનો વડાપાવ વેચતી યુવતી તરીકે ઓળખ મેળવનાર ચંદ્રિકા દીક્ષિત આજે કોઈ ઓળખાણની મોહતાજ નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેણે સલમાન ખાનના લોકપ્રિય રિયાલિટી શો ‘Bigg Boss Ott’ સુધીની સફર કરી હતી. પરંતુ હવે એ જ ચંદ્રિકા પોતાના અંગત જીવનને લઈને ગંભીર સંકટમાં ફસાઈ હોવાનું સામે આવ્યું છે.
લગભગ દોઢ મિનિટનો વીડિયો
તાજેતરમાં ચંદ્રિકાએ ઇન્સ્ટાગ્રામ પર એક લગભગ દોઢ મિનિટનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે રડતી અને ભાવુક હાલતમાં જોવા મળે છે. વીડિયોમાં તેમણે પોતાના પતિ યુગમ ગેરા પર લગ્નેત્તર સંબંધો અને બેવફાઈનો ખુલ્લેઆમ આરોપ લગાવ્યો છે. આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
બે મહિનાથી ચાલતું
ચંદ્રિકા વીડિયોમાં કહે છે કે છેલ્લા બે મહિનાથી તેના ઘરમાં વાતાવરણ ખૂબ જ ખરાબ છે. તે કહે છે કે તેણે લાંબા સમય સુધી મૌન રાખ્યું, કારણ કે તે પરિવાર, કામ અને બાળકની જવાબદારી સંભાળી રહી હતી. પરંતુ હવે તેની સહનશક્તિની સીમા તૂટી ગઈ છે.
ભાવુક અવાજમાં ચંદ્રિકા કહે છે,
“તમે દુનિયાને શું બતાવવા માંગો છો? અમારા ઝઘડા? હું બે મહિના સુધી ચૂપ રહી. ઘર સંભાળ્યું, કામ કર્યું, બાળકનો રાખ્યા… અને તમે આ બધું કરી રહ્યા છો? એ છોકરીનું શું, જે દિવસ-રાત તમારી પાછળ ફરતી હતી? મારા પ્રેમનું શું?” ચંદ્રિકાએ વીડિયોમાં પતિની બીજી સ્ત્રી સાથેની ચેટ્સ અને ફોટોઝ હોવાનો પણ દાવો કર્યો છે. વીડિયોના કેપ્શનમાં તેણે સ્પષ્ટ લખ્યું છે કે, “મારી પાસે પુરાવા પણ છે.”. હવે લોકો જાણવા માંગે છે કે ચંદ્રિકા પાસે કયા પ્રકારના પુરાવા છે અને આગળ શું પગલું લેશે.
પતિ તરફથી હજી કોઇ સત્તાવાર નિવેદન નથી
આ સમગ્ર વિવાદ દરમિયાન પતિ યુગમ ગેરાએ હજુ સુધી કોઈ જાહેર નિવેદન આપ્યું નથી. તેની મૌન ભૂમિકા પણ અનેક સવાલો ઉભા કરી રહી છે. સોશિયલ મીડિયા પર ચંદ્રિકાને મોટાપાયે સમર્થન મળી રહ્યું છે. ઘણા લોકો તેની હિંમત અને સચ્ચાઈ માટે વખાણ કરી રહ્યા છે.
વડાપાવ વેચવાથી લઈને રિયાલિટી શો
ચંદ્રિકાની સફર સંઘર્ષથી સ્ટારડમ સુધીની રહી છે. રસ્તા પર વડાપાવ વેચવાથી લઈને રિયાલિટી શોના મંચ સુધી પહોંચનાર આ યુવતી માટે હાલનો સમય ખૂબ જ કઠિન છે. તેના ફેન્સ આશા રાખી રહ્યા છે કે તેને ન્યાય મળશે અને તે આ મુશ્કેલ સમયમાંથી મજબૂત બનીને બહાર આવશે.