- શનિ-રવિમાં સંખ્યા વધવાની સંભાવના
- પરિક્રમાર્થીઓની સંખ્યામાં વધારાનું અનુમાન
- મહારાષ્ટ્ર સહિત અલગ અલગ રાજ્યોથી આવ્યા લોકો
જય ગિરનારીના નાદ સાથે પાવનકારી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે. અત્યાર સુધીમાં પરિક્રમાર્થીઓ ગિરનાર તળેટીમાં ઉમટી પડ્યા હતા. આ વખતે વિશેષ પ્રમાણમાં યુવાનો અને મહારાષ્ટ્રના પરિક્રમાર્થીઓ પરિક્રમાને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળે છે.
જુનાગઢમાં અગિયારસથી શરૂ થયેલી લીલી પરિક્રમાના બે દિવસ થયા છે. લીલી પરિક્રમામા અત્યાર સુધીમાં 11.45 લાખ લોકો ઉમટ્યા છે. ભવનાથ તળેટીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યુ છે. લીલી પરિક્રમાના રૂટ પરનો આકાશી નજારો જોતા જાણે કિડીયારુ ઉભરાયુ હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. 21 કલાકમાં 9.68 લાખ ભાવિકોએ નળપાણી ઘોડી પોઇન્ટ પાર કર્યો છે. 21 કલાકમાં 8.15 લાખ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. શનિ-રવિના દિવસો હોવાથી આ સંખ્યામાં ઓર વધારો થવાનો સંભવ છે.
જય ગિરનારીના નાદ સાથે પરિક્રમા વિધિવત રીતે શરૂ થયેલી જોવા મળી હતી. પાછલા ત્રણ વર્ષ દરમિયાન પરિક્રમા બિલકુલ પ્રતિકાત્મક રીતે કરવામાં આવતી હતી પરંતુ આ વર્ષે સંપૂર્ણપણે આયોજિત થતી પરિક્રમાને લઈને પરિક્રમાર્થીઓ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ગિરનારની લીલી પરિક્રમાનો લાહ્વો મેળવીને ગિરનારની સાથે ગુરુદત્ત મહારાજની કૃપા પ્રાપ્ત કરતા હોય છે. ગિરનારની લીલી પરિક્રમાને ધર્મ અને પુણ્યના ભાથા સાથે પણ સરખાવવામાં આવે છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ પ્રાપ્ત થતો હોવાથી ખૂબ મોટી સંખ્યામાં લોકો પરિક્રમા કરવા માટે આવતા હોય છે.
ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા પારંપરિક રીતે સૌરાષ્ટ્રના અને ગુજરાતના લોકો કરતા હોય છે. પરંતુ પાછલા કેટલાક વર્ષોની સરખામણીએ ખાસ કરીને યુવાનો અને અન્ય રાજ્યના પરિક્રમાર્થીઓની સંખ્યા પણ ખૂબ જોવા મળે છે. ખાસ કરીને યુવાનોમાં ગિરનારની લીલી પરિક્રમાને લઈને વધુ ઉત્સાહ જોવા મળે છે. સાથે મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં પરિક્રમાથીઓ પરિક્રમા કરવા માટે ગિરનાર ક્ષેત્રમાં આવતા હોય છે. પરિક્રમાને લઈને પોલીસ પણ પોતાની ફરજ ઉપર પહોંચી ચુકી છે. પરિક્રમામાં દર વર્ષ 8થી 9 લાખ જેટલા યાત્રિકો 5 દિવસ માટે અહીં આવતા હોય છે. તેઓની સુરક્ષા માટે ગિરનાર પરિક્રમાને 6 ઝોનમાં વહેંચવામાં આવેલ છે જેમાં 8 ડીવાયએસપી, 18 પીઆઇ, 110 પીએસઆઇ સહિત કુલ 136 પોલીસ ઉપરાંત 136 પોલીસ જવાનો, 1726 હોમગાર્ડ, 435 જીઆઇડી, 660 કર્મીઓ સહિત કુલ 2841 કર્મીઓ સાથે પોલીસ તૈનાત રહેશે.