• હાઈકોર્ટે મોટું અવલોકન કર્યું

  • 16 વર્ષીય સગીરાને ગર્ભપાતની પરમિશન
  • પાલીતાણા ગ્રામ્ય પોલીસે નોંધાઈ હતી ફરિયાદ

ગુજરાત હાઇકોર્ટમાં 16 વર્ષીય સગીરા કે જે બળાત્કારનો ભોગ બનેલી પીડીતા છે તેને ગર્ભપાત માટે મંજૂરી માંગી હતી. જોકે 27 અઠવાડિયાના ગર્ભને ગર્ભપાત કરાવવા હાઇકોર્ટે મંજૂરી આપે એનો આ પ્રથમ કિસ્સો માનવામાં આવી રહ્યો છે. જોકે ગુજરાત હાઇકોર્ટે આ માટે મહત્વના અવલોકનની સાથે હોસ્પિટલ અને સરકારને જવાબદારીઓ પણ અદા કરવા ટકોર કરી છે

ઉલ્લેખનીય છે કે આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં એક 16 વર્ષીય અનાથ સગીરાના 27 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે એડવોકેટ રાહીલ જૈન દ્વારા અરજી કરવામાં આવી હતી. જે જજ વિમલ વ્યાસની કોર્ટમાં ઉપસ્થિત થઈ હતી. આ અરજી અમદાવાદના અનાથ આશ્રમના મહિલા કર્મચારી દ્વારા કરાઈ છે. જ્યારે આ કેસ સંદર્ભે આરોપી સામે પાલીતાણા ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

આ કેસની વિગત જોતા પીડિતા અમદાવાદ ખાતે આવેલા અનાથ આશ્રમમાં વર્ષ 2015થી 2022 એમ 7 વર્ષ સુધી રહી હતી. તેને અહીં ધોરણ ત્રણથી આઠનો અભ્યાસ કર્યો હતો. તેની સાથે અન્ય 27 જેટલા બાળકો પણ હતા. ત્યારબાદ જૂન 2022માં ધોરણ 9ના શાળાકીય અભ્યાસ માટે ભાવનગર મોકલવામાં આવી હતી. આ દરમિયાન કોઈ સ્થાનિક સાથે તેને સંબંધ બંધાયો હતો. બાદમાં તે આ દિવાળી વેકેશનમાં અમદાવાદ અનાથ આશ્રમમાં આવી હતી. જ્યાંની મહિલા કર્મચારીને યુવતીની શારીરિક પરિસ્થિતિ જોતાં તે અંગે પૃચ્છા કરતા યુવતીએ સઘળી હકીકત જણાવી દીધી હતી. બાદમાં યુવતીને 27 સપ્તાહનો ગર્ભ હોવાનું માલુમ થતાં આરોપી સામે પાલીતાણા ગ્રામ્ય પોલીસ મથકે પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે પછીથી હાઇકોર્ટમાં સગીરાના ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે ભાવનગરની સિવિલ હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. પાલીતાણા પોલીસે પીડિતાને સહાય કરી હતી. અત્યારે સગીરા હોસ્પિટલમાં દાખલ છે. જેનો મેડિકલ રીપોર્ટ સીલબંધ કવરમાં કોર્ટમાં આવી ચૂક્યો હતો. જે નોર્મલ આવ્યો છે.

22મી નવેમ્બરના રોજ જજ વિમલ વ્યાસની કોર્ટમાં એક 16 વર્ષીય અનાથ સગીરાના 27 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી. આ મામલે જજે ભાવનગરની જનરલ હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના આદેશ આપ્યો હતો. જેનો આજે રિપોર્ટ આવી ગયો છે. ગર્ભવતી સગીરાનો મેડિકલ રિપોર્ટ નોર્મલ આવ્યો છે. કોર્ટે મેડીકલ રિપોર્ટને ધ્યાનમાં રાખી આપી ગર્ભપાતની મંજૂરી આપી છે.

સગીરાને આવનાર બાળકની જવાબદારી અંગે પણ કેટલાક પ્રશ્નાર્થ ઊભા થતાં હાઇકોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, 16 વર્ષીય સગીરા ઓપરેશન માટે હોસ્પિટલ જાય ત્યારે સગીરાને ડોક્ટરને જરૂરી બાંહેધરી આપવી પડશે. એટલું જ નહીં પણ સગીરા હોસ્પિટલમાં હોય તે સમયે 27 અઠવાડિયાના ગર્ભમાં બાળક જીવિત હોય તો તેને જીવન પણ આપવું પડશે. જો બાળક જીવિત હોય તેવા સંજોગોમાં બાળકના ભરણપોષણ અને આગળની તમામ જવાબદારીઓ સરકારી એજન્સીઓ નિભાવશે.


  • Follow us on: