• DRIએ કાર્યવાહી કરી જથ્થો ઝડપ્યો

  • બાતમીના આધારે દરોડો પાડી કરી કામગીરી
  • કંબોડિયાના બંદરેથી આવ્યો હતો જથ્થો

કચ્છનું મુંદ્રા પોર્ટ ફરી એકવખત વિવાદમાં ઝડપાયું છે. અહીં DRIની કાર્યવાહીના પગલે વિદેશી સિગારેટોનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ રેડ દરમિયાન અલગ અલગ સિગરેટના પેકેટમાં કુલ 80 લાખથી વધુ સિગારેટ જપ્ત કરવામાં આવી છે. આ જપ્ત કરાયેલ સિગારેટના જથ્થાની કુલ કિંમત આંતરરાષ્ટ્રીય બજાર મુજબ આશરે 16 કરોડ ભારતીય રૂપિયા જેટલી થવા જાય છે.

આ મામલે વધુ માહિતી પ્રમાણે આજે મુન્દ્રા પોર્ટ પરથી ગેરકાયદેસર સિગારેટ હેરાફેરી કરતા કન્સાઈનમેન્ટ દબોચી લેવામાં આવ્યા હતા. DRIની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, કંબોડિયાના ફ્નોમ પેન્હ બંદરેથી મુંદ્રા બંદર પર મોકલેલ રેડીમેઇડ ગાર્મેન્ટ્સની આડમાં સિગારેટનો જથ્થો કન્ટેનર દ્વારા આયાત કરવામાં આવ્યો હોઈ શકવાની સંભાવના છે. જે અંગે DRIએ ઇન્ફોર્મેશન આધારે આ કન્ટેનરને મુંદ્રા પોર્ટ પર જ અટકાવ્યું હતું. આમ આ કાર્યવાહીમાં 16 કરોડ રૂપિયાની વિદેશી સિગારેટો ઝડપી પાડવામાં આવી હતી.

આ મામલે જાણકારી પ્રમાણે અમદાવાદ ઝોનલના DRIના અધિકારીઓને મળેલી ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે મુન્દ્રા પોર્ટ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર સિગારેટની હેરાફેરી કરતા કન્સાઈનમેન્ટને ઝડપી પાડવામાં આવ્યું છે. આ કન્સાઇનમેન્ટને મોકલનારે “રેડીમેઇડ ગાર્મેન્ટ્સ” તરીકે દેખાડ્યું છે. તે કન્સાઇનમેન્ટ હજીરા પોર્ટ માટે મોકલવામાં આવ્યું હતું. ઉપરોક્ત કન્સાઈનમેન્ટની વિગતવાર તપાસ દરમિયાન, અધિકારીઓએ નોંધ્યું કે કન્ટેનરમાં પ્રથમ પંક્તિના પેકેજો જાહેર કરાયેલા માલ એટલે કે, તૈયાર વસ્ત્રોના હતા જેની આડમાં સિગારેટના પેકેટો સંતાડવામાં આવ્યા હતા. જેથી કોઈને શંકા ન જાય અને નિકોટીન વાળી સિગારેટના પાર્સલ દ્વારા યોગ્ય જગ્યાએ મોકલી શકાય. આમ ભારતીય સુરક્ષા એજન્સીઓની નજર ચૂકવીને 16 કરોડ રૂપિયાની સિગારેટોને ભારતમાં ઘૂસાડવાનો અમુક તત્વોનો પ્લાન હતો જે સફળ થઈ શક્યો નથી.

આ મામલે પંચનામાની કાર્યવાહી દરમિયાન અલગ અલગ સિગરેટના પેકેટમાં કુલ 80 લાખથી વધુ સિગારેટ જપ્ત કરવામાં આવી છે. આ જપ્ત કરાયેલી સિગારેટની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર મુજબ આશરે ભારતીય નાણા પ્રમાણે રૂપિયા 16 કરોડ છે. નકલી સિગરેટ અથવા તેવી જ રીતે આયાત કરવાના પ્રયાસની શક્યતા ઓળખવા માટે અહીં એક્સપર્ટ્સ સાથે સંપર્કમાં રહેલા અધિકારીઓની મદદ લેવી જરૂરી લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા પણ આવી જ કામગીરીમાં DRI અધિકારીઓએ 36 લાખ વિદેશી મૂળની સિગારેટો જપ્ત કરી હતી. જે મુન્દ્રા પોર્ટ પરથી સ્મગલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ DRIની સતર્કતાના લીધે આ લેભાગુ તત્વોની કારી ફાવી નથી અને તેમને નુકસાન ગયું છે.


  • Follow us on: