સુરતમાં બંગાળી કારીગરો સોનું લઇ ફરાર થઈ ગયા હોવાની વાત સામે આવી છે, 5 બંગાળી કારીગરો 16 લાખનું સોનુ લઇ ફરાર થઈ ગયા છે, લાલગેટ વિસ્તારના જ્વેલર્સમાંથી સોનું લઇ ફરાર થતા સુરત પોલીસ તપાસ માટે ફ્લાઇટમાં કલકત્તા પહોંચી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
નાણાંવટનાં હુસેની મંઝિલમાં જયેશ જવેલ્સના નામે દાગીના બનાવવાનું કામ કરે છે
નાણાંવટમાં જયેશ જવેલ્સમાં દાગીના બનાવવાના વિભાગમાં નોકરી કરતાં તમામ પાંચ કારીગરો ૧૬ લાખની કિંમતનું ૧૭૫ ગ્રામ કાચુ સોનું લઈ ભાગી છૂટયા હતા. મંગળવારે વહેલી સવારે ટ્રેનમાં બેસીને કલકતા પહોંચે તે પહેલાં જ લાલગેટ પોલીસની ટીમ પ્લેનથી કલકત્તા પહોંચી ગઈ હોવાનું જાણવા મળે છે. મૂળ પ. બંગાળના વતની મો.હુસેન આલમશા શેખ (ઉ.વ. ૪૭) છેલ્લાં ૧૨ વર્ષથી નાણાંવટનાં હુસેની મંઝિલમાં જયેશ જવેલ્સના નામે દાગીના બનાવવાનું કામ કરે છે.
તેમણે ૧૪ જેટલાં કારીગરો રાખ્યા છે
જેમાંથી ૫. બંગાળના વતની સૈફુદ્દીન જમાલ શેખ, હસન મહસીન શેખ, હફીજુલ મહસીન, ઈશ્રફીલ ફારૂખ રહેમાન અને વીસ દિવસ પહેલાં જ લાગેલો શરીફ દાગીના બનાવવાના સેક્શનમાં છે. તમામ કારીગરો માટે થોડેક દૂર શાહપોરમાં રહેવાની વ્યવસ્થા પણ કરી છે. મંગળવારે રાત્રે સાડા બાર વાગ્યે તેમના કારીગર અબ્દુલ રહેમાન ઉર્ફે રાજનો ફોન આવ્યો હતો અને તેમના પાંચેય કારીગર રાત્રે ઘરે આવ્યા નહિ હોવાનું જણાવ્યું હતું.હુસેનભાઈએ આ કારીગરોને ફોન કરતાં તમામના ફોન બંધ આવતા હોઇ મામલો ગંભીર બન્યો હતો.
સોનું લઈ 5 કારીગરો ફરાર થયા
તેઓ કારખાને દોડી ગયા હતા. અહીં થોડાંક કલાક પહેલાં જ ૧૬ લાખનું કિંમતનું ૧૭૫ ગ્રામ કાચું સોનું આવ્યું હતું, તે પણ ચોરી થઈ ગયું હતું. આ કારીગરો જ તે લઈને ભાગ્યા હોઈ મામલો લાલગેટ પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ ઈન્સપેક્ટર એન.એમ. ચૌધરીએ તપાસ કરતાં પાંચેય તસ્કરો સવારે સાડા ચાર વાગ્યે વાયા નંદુરબાર થઈ ઉપડતી ટ્રેનમાં બેઠાનું જાણતાં જ પોલીસની ટીમને પ્લેન મારફત કલકત્તા રવાના કરી હતી. આરોપી પહોંચે તે પહેલાં જ પોલીસની ટીમ કલકત્તા પહોંચીને તેમને પકડવાનો તખ્તો ગોઠવ્યો છે.