• પશુ ખાણદાણમાં ભેળસેળ નહીં ચલાવી લેવાય

  • કેમિકલ, બેન્ટોનાઈટ માટી જેવી ચીજોની થાય છે મિલાવટ
  • ફોજદારી પગલાની પણ કાર્યવાહી કરવાનો નિર્ણય

રાજ્યમાં પશુઓના ખાણદાણ ખાસ કરીને કપાસિયાના ખોળમાં વેપારીઓ, ઓઈલ મિલો તેમજ ઉત્પાદકો દ્વારા જુદા જુદા કેમિકલો, બેન્ટોનાઈટ માટી, લાકડાનો વહેર, અખાદ્ય અનાજ જેવા પદાર્થોની ભેળસેળ કરવામાં આવે છે. પશુઓ અને માનવના હિતમાં આવી ઓઇલ મીલો અને વેપારીઓ સામે ફોજદારી પગલાં કાર્યવાહી સુધીના કડકમાં કડક પગલાં ભરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે તેમ, આજે ગાંધીનગર ખાતેથી પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

વધુમાં મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં આ ભેળસેળયુક્ત ખાણદાણ સસ્તા ભાવે વેચાણ કરતા હોવાથી સાચા ખાણદાણ ઉત્પાદક વેપારીઓને નુકસાન થાય છે. આવા ભેળસેળયુક્ત ખાણદાણના કારણે પશુઓમાં રોગચાળો, પશુ દૂધમાં આવા ઝેરી તત્વ ભળતા માનવીના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થાય છે. જેનાથી કેન્સર જેવા ભયાનક રોગ થાય છે તેવી ગુજરાત કોટન સીડ્સ ક્રશર્સ એસોસિએશન, ગ્રાહક સુરક્ષા અને કિસાન સંઘ દ્વારા સરકારને આજે રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રશ્નને ગંભીરતાથી લઇને રાજ્ય સરકારે પૂરવઠા અને પોલીસ વિભાગ, વિવિધ એસોસીએશન સહિત તમામને સાથે લઇને ભેળસેળયુક્ત પશુદાણ બનાવતા ઉત્પાદકો સામે દરોડો પાડીને ફોજદારી સુધીની કડક કાર્યવાહી કરીને પશુઓ અને પશુપાલકોના હિતમાં આ ભેળસેળની પ્રક્રિયા સદંતર બંધ કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત હાલના દિવસોમાં રાજ્યમાં માવઠાને લઈને સરવેની કામગીરીને શરૂ કરવામાં આવી છે. જેના લીધે ખેડૂતોને પાક નુકસાનીનું વળતર યોગ્ય રીતે અને ઝડપથી આપી શકાય આ મુદ્દે પણ સરકાર દ્વારા નિર્ણય લઈને તમામ જિલ્લા તંત્રોને સરવેની કામગીરી યથાશક્તિ ત્વરિતપણે પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેના લીધે ખેડૂતોને તત્કાળ સહાય ચૂકવી શકાય.

ગુજરાત સરકાર દ્વારા તાજેતરના કમોસમી વરસાદના કારણે અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા માટે પાકને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, એમ રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું. રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, એકવાર રિપોર્ટ આવ્યા બાદ અસરગ્રસ્ત ખેડૂતોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) ના ધોરણો અનુસાર વળતર આપવામાં આવશે. પ્રાથમિક અંદાજ સૂચવે છે કે, વરસાદને કારણે લગભગ 3 થી 4 લાખ હેક્ટર વિસ્તારમાં ઉભા પાકને નુકસાન થયું હશે.


  • Follow us on: