- રાજ્યની અલગ અલગ યુનિ.ની નકલી માર્કશીટ
- વિદેશ જવા માટે, સરકારી કામ માટેનો હતો ખેલ
- સિંગણપોર ડભોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી
સુરતમાં નકલી પનીર નકલી ઘી અને નકલી કચેરી વચ્ચે નકલી માર્કશીટ અને સર્ટિફિકેટનું આખેઆખું કૌભાંડ ઝડપાયું છે. જેમાં પોલીસ દ્વારા કતારગામ પાટીદાર ભવન પાસે યશ એજ્યુકેશન એકડેમીમાં 22 એજ્યુકેશન સંસ્થાના નકલી માર્કશીટથી લઈ સર્ટિફિકેટ મળી આવ્યા છે. આ સાથેજ સંચાલક નિલેશ સાવલિયાની ધરપકડ કરી હતી. જેમાં 137 નકલી માર્કશીટ અને વિવિધ બોગસ માર્કશીટની વિગતો મળી આવી છે.
કતારગામ પાટીદાર ભવન પાસે આવેલા ડિવાઈન ઇન્ટરનેશનલમાંથી તગડી રકમ લઈ નકલી કોઈ પણ શાળા અને કોઇ પણ યુનિવર્સિટી તથા કોઇ પણ ફેકલ્ટીની ડિગ્રી આપવામાં આવતી હતી. આ ડિગ્રીને આધારે ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કે નોકરી માટે ઉપયોગ કરતા હોવાની બાતમી હતી. દિવસોના વર્કઆઉટ બાદ પોલીસ ગુરુવારે મધરાત્રે આ દુકાનમાં રેઇડ કરી હતી.

દેશભરના લોકો કરતાં હતા સંપર્ક
આ રેઇડ દરમિયાન પોલીસે ડિવાઈન એકેડેમીના સંચાલક અને નકલી માર્કશીટ કૌભાંડના સૂત્રધાર નિલેશ મગન સાવલિયાને દબોચી લીધો હતો. અહીંથી પોલીસને 137 વિદ્યાર્થીઓના નામે ઈશ્યૂ થયેલી નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ મળી આવ્યા હતા. આ નકલી માર્કશીટ તેણે ઉત્તર પ્રદેશના ફરીદાબાદના મનોજકુમાર અને નોઇડા ના રાહુલ જૈન અને EDU ઝોન ગ્રૂપ ઓફ એજ્યુકેશનના કરણની મદદથી બનાવ્યા હતા. પોલીસે આ સર્ટિફિકેટ ઉપરાંત લેપટોપ, કોમ્પ્યૂટર, પેનડ્રાઈવ, પ્રિન્ટર, રબર સ્ટેમ્પ સહિતનું સાહિત્ય કબજે કર્યું હતું.

કેવી રીતે ચાલી રહી હતી પ્રક્રિયા
એટલું જ નહીં છેલ્લાં 14 વર્ષથી યશ એજ્યુકેશન એકેડેમીના નામથી સંસ્થા ચલાવે છે. 2011 માં તેણે મહિધરપુરા ઓફિસ ખોલી હતી જે પછી કતારગામ આંબાતલાવડીમાં શિફ્ટ કરી હતી. વિદેશ જવા માટે જે લોકોને નકલી ડિગ્રી જોઇતી હોય તેની પાસેથી ઊંચી ફી લઇ વિગતો ફરીદાબાદના મનોજકુમારને મોકલી આપતો. મનોજ નોઈડાના રાહુલ સૈની અને કરણની મદદથી માંગ્યા મુજબની યુનિ. અને ડિગ્રીવાળી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી કુરિયર મારફત મોકલી આપતો હતો. 20 હજારથી પાંચ લાખ રૂપિયા ફી લેવાતી હોવાની વિગતો સામે આવી છે.

હજારો રૂપિયામાં બનાવવામાં આવતી હતી માર્કશીટ
આ સાથે જ 10 થી 12 પાસનું સર્ટિફિકેટ જોઇતું હોય તો તેની પાસેથી 20 હજારથી 60 હજાર સુધીના નાણા વસુલવામાં આવતા હતા. બેચલર ઓફ આર્ટસ, કોમર્સ, બી.બી.એ.થી લઇ વિવિધ ફેકલ્ટીની ડિગ્રી બનાવી આપવામાં આવતી હતી. જેના અઢીથી પાંચ લાખ સુધી વસુલવામાં આવતા. 14 વર્ષમાં હજારો ડિગ્રી આપવામાં આવી હતી. જેમાં ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિ. રાજસ્થાન, દિલ્હી, મુંબઇ, કેરલા, હિમાચલ પ્રદેશ. ઝાંસી, મેઘાલય, કર્ણાટક, મેરઠ, બેંગ્લોર અને સુરતની એજ્યુકેશન સંસ્થાઓના ખોટા સર્ટિફિકેટ બનાવી આપવામાં આવ્યા હતા.