આણંદના આંકલાવમાં તબેલામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આંકલાવ તબેલામા આગ લાગતા 4 પશુના મોત નિપજયા. આંકલાવ તબેલા નજીક વીજ ડીપીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગવાની ઘટના બનવા પામી હોવાનું સામે આવ્યું છે. શોર્ટ સર્કીટ થતા ડીપીના તણખા તબેલામાં પડેલા ઘાસના પૂળા પર પડ્યા અને આગે લીધું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગ લાગતા તબેલામાં બાંધેલ ચાર ભેંસો ભયંકર રીતે દાઝી ગઈ. તેમને સારવાર મળે તે પહેલા જ ખરાબ રીતે દાઝવાના કારણે ભેંસના મોત થયા.


આગમાં નિર્દોષ પશુના મોત

આંકલાવના રામપુરા ખાતે તબેલામાં આગ લાગતા માલિકે પાણી અને રેત નાખી આગ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો. પરંતુ તબેલામાં ઘાસના પૂળા હોવાથી આગ વધુ વિકરાળ બની. તબેલાના માલિકે ફાયરબ્રિગેડને જાણ કરી. બોરસદથી ફાયરની ટીમ રવાના થઈ. ફાયરટીમ આવે ત્યાં સુધી માલિક દ્વારા તબેલામાં રહેલ પોતાના પશુઓને બચાવવા પ્રયાસ કરવામાં આવ્યા.પરંતુ તેમના પ્રયાસ નિષ્ફળ ગયા અને આગની જવાળામાં તબેલાના પશુઓ ગંભીર રીતે દાઝી ગયા. ભેંસને તબેલામાં બાંધેલી હોવાથી આગ લાગવા છતાં ભાગી શકી નહીં. બોરસદ ફાયર ટીમ ઘટનાસ્થળ પર પંહોચી અને આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો. આગ દુર્ઘટનામાં નિર્દોષ પશુઓ મોત નિપજયા. અગાઉ પણ આણંદમાં તબેલામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી પશુઓને બચાવી લેવાયા હતા.

શોર્ટ સર્કિટ થવાની ઘટનાઓ વધી

રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ વધવા લાગી છે. હાલમાં ગરમીનો પારો ઉંચે જતા શહેરમાં શોર્ટ સર્કિટ થવાની ઘટનાઓ વધી છે. સુરતમાં સચિન વિસ્તારમાં શોર્ટ સર્કિટના કારણે બે મોટી કંપનીમા આગ લાગી જ્યારે આણંદમાં પણ વીજ ડીપીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા બાજુના તબેલામાં રહેલ અબોલ પશુઓ ગંભીર રીતે દાઝી ગયા. માર્ચ મહિનામાં જ આગ ઝરતી ગરમીની શરૂઆત થતાં જ શોર્ટ સર્કિટ થવાના કિસ્સા વધ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ગરમીનું તાપમાન વધતાં ઇલેક્ટ્રીક ઉપકરણો અને વીજ તારને લઈને તકેદારી રાખવી પડશે.

  • Follow us on: