પાલ ગૌરવપથ પર મોનાર્ક કોમ્પ્લેક્સમાં કાઇઝર વર્લ્ડના નામે કંપની શરૂ કરી લોકોને રોકાણની લોભામણી સ્કીમ આપી ફુલેકું ફેરવનારા ડિરેક્ટરો પૈકી ૩ વર્ષથી નાસતા-ફરતા બેને ઈકો સેલે પકડી પાડી પૂછપરછ આદરી છે. મળતી વિગતો પ્રમાણે પાલ ગૌરવપથ પર મોનાર્ક કોમ્પ્લેક્સના ચોથા માળે ક્રાઈઝર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા.લિ. (કાઇઝર વર્લ્ડ)ના નામે કંપની શરૂ કરાઇ હતી. કેવિન જનક બ્રહ્મભટ્ટના નામે ભાડા કરાર કરી ઓફિસ ભાડેથી લેવાઈ હતી.


2400 ભરીને મેમ્બરશિપની સ્કીમ આપી હતી

આ કંપનીના ડિરેક્ટરોએ રૂપિયા ૨૪૦૦ ભરીને મેમ્બરશિપની સ્કીમ આપી હતી. આ ઓફર અંતર્ગત બે વર્ષમાં રૂ. ૧.૧૨ લાખ ઘરે બેઠા કમાઈ શકો છો એવી લોભામણી જાહેરાત યૂ-ટ્યૂબ પર મૂકી હતી. કંપનીના ડિરેક્ટરોએ રોકાણના અવનવા પેકેજ આપી રોકાણકારોને ઝાંસો આપ્યો હતો. કંપનીના સભ્ય થવા માટે આઇડી પણ રોકાણકારોને ફાળવાઈ હતી. રૂપિયા ૨૪૦૦ આપવાથી તે સભ્ય આ રૂપિયા ૨૪૦૦ લઈ કંપનીના પ્રતિનિધિને મોકલી શકશે એવી પણ સ્કીમ અપાઈ હતી.

ડિજિટલ ૧૫ યુરો જે-તે આઈ ડીમાં પરત જમા થતા રહેશે એવી લોભામણી ઓફર અપાઈ

૨૪૦૦ રૂપિયાના બદલામાં સભ્યને પોઈન્ટ રૂપે ડિજિટલ યુરો (રૂ. ૧૨૦૦) તેના આઈડી ખાતામાં ઓનલાઇન પરત આપશે અને તેના આઈડી નવા સભ્યના મોબાઈલમાં દેખાશે. આ રીતે ચાલુ સભ્યના આઈડી દ્વારા જેટલા પણ સભ્યો બન્યા હશે તે દરેક સભ્ય પેટે ૧૫ યુરો ચાલુ સભ્યનું આઈડી કંપનીની લિંક પર ઓપન કરવામાં આવતા તે આઈડીમાં ઓનલાઈન ડિજિટલ યુરો બેલેન્સ તરીકે બતાવશે અને જેમ-જેમ નવા સભ્યો બનતા જશે તેમ-તેમ એક સભ્યના ડિજિટલ ૧૫ યુરો જે-તે આઈ ડીમાં પરત જમા થતા રહેશે એવી લોભામણી ઓફર અપાઈ હતી.

અગાઉ બે આરોપીની કરાઈ છે ધરપકડ

અનેક રોકાણકારોએ નાણાં રોક્યા હતા અને બાદમાં કંપનીના ડિરેક્ટરો પાકતી મુદ્દતે વળતર આપવાને બદલે કંપનીને તાળાં માળી છૂમંતર થઇ ગયા હતા. ક્રાઈઝર વર્લ્ડના નામે પ્રિ-પ્લાન કાવતરું રચી મોટું ફુલેકું ફેરવાયું હતું. ૩ વર્ષ પહેલાં માર્ચ-૨૦૨૨માં કાઈમ બ્રાંચમાં કંપનીના ડિરેક્ટરો સામે રૂ. ૫૬.૯૪ લાખની ઠગાઈનો ગુનો નોંધાયો હતો. ઈકો સેલને આ ગુનાની તપાસ સોંપાઈ હતી. આ પ્રકરણમાં ઇકો સેલે અગાઉ કંપનીના ડિરેક્ટરો મોહિત કમલેશ પટેલ, કેવિન જનક બ્રહ્મભટ્ટ અને મહેશ દયાળ ગુસાઈની ધરપકડ કરી હતી. જ્યારે ૩ વર્ષથી નાસતા-ફરતા બે ડિરેક્ટરો અનિલ સુરેશ શર્મા (ઉ.વ. ૪૬. રહે. સ્વપ્ન સૃષ્ટિ એપાર્ટમેન્ટ, પાલ) અને વિપુલ શિવાજી બાવિષ્કર (ઉ.વ. ૩૪, રહે. નીલકંઠ પાર્ક સોસાયટી, સણિયા-કણદે, ખરવાસા) રોડને પકડી પાડયા હતા. ઈ કો સેલે બંનેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી બંનેના આગામી તા.૨૬-૫-૨૫ના બપોરે ૧ વાગ્યા સુધીના રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી છે.

  • Follow us on: