લખતરના ડેરવાડા ગામના અને પડધરીમાં મજુરી કરવા ગયેલા દિલીપભાઈ જાદવની પુત્રી ઝરણાં મહેન્દ્ર નગરમાં રહેતા મામા અને માસીના ઘરે વેકેશનમાં આવી હતી અને જેમાં 14-5-2025ના રોજ સવારે 11 વાગ્યાની ઝરણાં તેની માસી સાથે ઓફિસમાં સાફસફાઈની કામગીરી પૂર્ણ કરીને રોડ ક્રોસ કરતા પુરપાટ ઝડપે આવતી કારે ઝરણાંને અડફેટે લેતા આશરે 50 ફુટથી વધારે ફંગોળી દીધી હતી, જેમાં ઝરણાંને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બેભાન થઈ ગઈ હતી.
3 દિવસની સારવારના અંતે ઝરણાનું આજે સવારે મોત નિપજ્યું
અકસ્માતની ઘટના બાદ તાત્કાલિક તેને પ્રાથમિક સારવાર માટે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર કારગર સાબિત નહીં થતાં આખરે ઝરણાનું 3 દિવસની સારવારના અંતે આજે સવારે મોત નિપજ્યું છે. આ ઘટના અંગે મોરબી બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી છે. મોરબી મહેન્દ્ર નગર પાસે બનેલી ઘટનામાં સીસીટીવી સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કાર ઓવર સ્પીડ છે.
બેફામ દોડતા વાહનચાલકો સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે?
ત્યારે મોરબી જિલ્લામાં બેફામ દોડતા વાહનચાલકો સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? હજુ એક સપ્તાહ પહેલા જ મકનસર હેડ ક્વાર્ટર ખાતેથી ફરજ પૂર્ણ કરી પોતાનાં એકટીવા પર પીએસઆઈ બી.આર.જાડેજા ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે ટ્રક ચાલકે અડફેટે લેતાં મોત થયું હતું. મોરબીમાં બનેલી આ ઘટનામાં ઝરણાંનું પીએમ રાજકોટ ખાતે કરાયું હતું અને તેની અંતિમ વિધિ માટે લખતરના દેરવાડા ગામે કરવામાં આવી છે, ત્યારે પરિવારજનો દ્વારા ન્યાયની માગણી કરી છે.