તાજેતરમાં જ શાળાના પરિણામો જાહેર થયા બાદ વિવિધ દાખલા કઢાવવા માટે મોરબી સીટી મામલતદાર કચેરીમાં અરજદારો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. પરંતુ અહીં માત્ર એક જ ઓપરેટર હોવાના કારણે અરજદારોને હેરાન થવાનો વારો આવ્યો છે. બીજી તરફ આખો દિવસ લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ સામાન્ય એક દાખલો પણ ન નીકળતા ઓપરેટર વધારવા અરજદારો માગ કરી રહ્યા છે.
તંત્રની અણ આવડતના કારણે આગોતરું કોઈ આયોજન થતું નથી
મોરબી સીટી મામલતદાર કચેરી ખાતે દરરોજના અંદાજે 200 જેટલા અરજદારો આવક, નોન ક્રિમિલેયર, જાતિ સહિતના દાખલા કઢાવવા માટે વહેલી સવારથી જ લાઈનો લગાવીને ઉભા રહી જાય છે, જેથી અરજદારોને હાલાકી ભોગવી પડે છે. વધુમાં અરજદારો જણાવી રહ્યા છે કે શાળાના પરિણામ આવ્યા બાદ તંત્રને ખબર જ છે કે વિદ્યાર્થીઓ વિવિધ દાખલા કઢાવવા માટે જન સુવિધા કેન્દ્ર પર આવશે. પરંતુ તંત્રની અણ આવડતના કારણે આગોતરું કોઈ આયોજન થતું નથી, જેના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારના અરજદારોની સાથે આવતા વિદ્યાર્થીઓ પણ હેરાન થઈ રહ્યા છે.
કોંગ્રેસ પ્રમુખે મામલતદારને ઓપરેટર વધારવા માટે કરી રજૂઆત
જેથી તાત્કાલિક ધોરણે થોડા દિવસ માટે કોમ્પ્યુટર ઓપરેટર વધારવામાં આવે તો અરજદારોની મુશ્કેલીમાં ઘટાડો થઈ શકે તેમ છે. આજ રીતે મોરબીના ટંકારા, હળવદ, માળિયા, વાંકાનેરમાં સ્થિતિ જોવા મળી રહી છે. અરજદારોની મુશ્કેલીઓ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ સિંહ જાડેજાએ સીટી મામલતદાર કચેરીમાં મુલાકાત લઈ ઓપરેટર વધારવા સીટી મામલતદારને રજૂઆત કરી હતી.