સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત બોટાદ જિલ્લાનાં વિવિઘ તાલુકાઓના ગ્રામીણ વિસ્તારમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી થઈ રહી છે. જેમાં ગામોને પ્લાસ્ટિક મુકત બનાવવાં માટે ખાસ ઝુંબેશ શરૂ કરાઈ છે. જે અંતર્ગત હવે દરેક ગ્રામ પંચાયતમાં કાપડની થેલીઓનું વિતરણ કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા માટે સમજ આપવામાં આવી રહી છે.
પ્લાસ્ટિક મુકત ભારત અભિયાન
જિલ્લા કક્ષાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી. એ. પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં નિયામકના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારીઓ તથા જિલ્લા અને તાલુકાનાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની કામગીરી સંભાળતાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પ્લાસ્ટિક મુકત ભારત અભિયાન અંતર્ગત બહોળો પ્રચાર પ્રસાર કરવા અને અભિયાનને સફળ બનાવવા સૂચનો કરાયાં હતાં.
પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરાઈ
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત જિલ્લામાં 22 મે થી ગ્રામ્ય કક્ષાએ પ્લાસ્ટિક મુકત અંગેની અલગ અલગ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જે 5 જુન વિશ્વ પર્યાવરણ દિવસ સુધી ચાલશે. ગામોમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતી ગાડીનાં માધ્યમથી ગ્રામજનોને ભીનો અને સૂકો કચરો ઘરેથી જ અલગ કરીને કચરાની ગાડીમાં નાંખવા સમજ અપાઈ રહી છે. જિલ્લાનાં દરેક ગામને પ્લાસ્ટિક મુકત બનાવવાં માટે ગ્રામ્ય કક્ષાએ મીટીંગ કરીને લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યાં છે.
કાપડની થેલીઓનો ઉપયોગ કરવા આહવાન કરાયું
બહાર જતી વખતે સાથે કાપડની થેલી રાખવા અને પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ નહીં કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. સાથે સાથે જન જાગૃતિ લાવવા માટે દરેક ગ્રામપંચાયતમાં પ્રોત્સાહન માટે 10-10 કાપડની થેલી આપવામાં આવી રહી છે. પ્લાસ્ટિક મુકત ભારત અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં પણ વિવિધ પ્રવૃતિઓના માધ્યમથી ગ્રામજનોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા પ્રોત્સાહીત કરવામાં આવી રહ્યાં છે.