કચ્છના નાગરિક સંરક્ષણ તંત્રે સંભવતઃ દેશમાં સૌપ્રથમવાર ભૂકંપ, પૂર, આગ સહિતના બનાવમાં સૌથી વધુ ભયજનક સ્થિતિમાં મૂકાતા અંધજનો માટે રાહત અને બચાવની તાલીમને સંભવ બનાવવા આખાય મોડયુલને બ્રેઈલ લિપિમાં કન્વર્ટ કરાવ્યા બાદ આજે કલેક્ટર આનંદ પટેલ, નાગરિક સંરક્ષણ વિભાગના નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટર ધવલ પંડયાની હાજરીમાં માધાપરમાં નવજીવન અંધજન મંડળ ખાતે અંદાજે 138 જેટલા દિવ્યાંગ બાળકો અને કર્મચારીઓને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપી હતી.
આ તકે, નવજીવન અંધજન મંડળ સંસ્થાના જનરલ સેક્રેટરી લાલજીભાઈ પ્રજાપતિ, સેક્રેટરી હરજીભાઈ લાછાણી, ટ્રસ્ટી ખીમજીભાઈ વેકરિયા સહિતે હાજર રહીને સહકાર આપ્યો હતો. નોંધનીય છે કે, નાગરિક સંરક્ષણ કચેરી, કચ્છ દ્વારા વર્ષ ૨૦૨૫માં જિલ્લામાં વિવિધ સ્કૂલ, કોલેજ, એનજીઓ અને અગરિયાઓને પ્રાથમિક તાલીમના 27 જેટલા વર્ગોનું આયોજન કરીને 7,404 જેટલા તાલીમાર્થીઓને પ્રાથમિક તાલીમ આપવાની કામગીરી કરવામાં આવી છે.
દિવ્યાંગો માટે આપદાની સ્થિતિમાં તાલીમ જીવનરક્ષક સાબિત થશે
કાર્યક્રમના પ્રારંભે કલેક્ટરે દિવ્યાંગ લોકો માટે તાલીમની પહેલને બિરદાવી દરેક સંવેદનશીલ જૂથના લોકો પ્રાથમિક તાલીમ મેળવે તે જરૂરી હોવાનું ભારપૂર્વક જણાવતાં કહ્યું હતું કે, સૌપ્રથમ વખત બ્રેઈલ લિપિની મદદથી દિવ્યાંગજનોને નાગરિક સંરક્ષણ તાલીમને ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબત ગણાવી હતી. બ્રેઈલ લિપિના માધ્યમથી તાલીમ આપવાનો પ્રયાસ દિવ્યાંગજનો માટે આપદાની સ્થિતિમાં જીવનરક્ષક સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.? જિલ્લા કલેક્ટરે આ બ્રેઈલ લિપિના નાગરિક સંરક્ષણ તાલીમ મોડયુલ ગુજરાત રાજ્ય કક્ષાએ અને ભાષાંતર થયા બાદ દેશના અન્ય તમામ રાજ્યોમાં રહેતા દિવ્યાંગજનો માટે પણ મદદરૂપ થશે એમ ઉમેર્યું હતું.
બ્રેઈલના માધ્યમથી દિવ્યાંગો? માટે નાગરિક સંરક્ષણ તાલીમ સરળ બની
નાયબ? નિયંત્રક ધવલ પંડયાએ વધુમાં ઉમેર્યું હતું કે, કોઈપણ વ્યક્તિ શારીરિક ખામી હોવાના લીધે નાગરિક સંરક્ષણ તાલીમથી વંચિત ન રહે એ દિશામાં બ્રેઈલ લિપિ નાગરિક સંરક્ષણ તાલીમ મોડયુલ ખૂબ જ ઉપયોગી બનશે. વર્ષ ૨૦૧૧ના સેન્સસ મુજબ કચ્છની કુલ વસ્તીના ૨.૪૫ % એટલે કે, કુલ ૫૧,૨૧૭ લોકો દિવ્યાંગ છે. જ્યારે ગુજરાતમાં કુલ વસ્તીના ૧.૮૧% એટલે કે ૧૦,૯૨,૩૦૨ લોકો દિવ્યાંગ છે. જે કુદરતી અથવા માનવસર્જિત હોનારત સમયે સૌથી સંવેદનશીલ જૂથ માનવામાં આવે છે. જે તમામને સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ મળી રહે તે પ્રકારના પ્રયત્નોના ભાગરૂપે આજે બ્રેઈલ લિપિના સ્વરૂપે મોડયુલના વિકાસથી પાયાની શરૂઆત કચ્છથી કરવામાં આવી છે. જે સમગ્ર દેશમાં દિવ્યાંગ માટે ઉપલબ્ધ બની શકશે અને દિવ્યાંગો? માટે નાગરિક સંરક્ષણ તાલીમ સરળ બનશે.
અંધજનો માટે બ્રેઈલ અને મૂકબધિરો માટે સાઈન લેંગ્વેજથી તાલીમ
દિવ્યાંગો માટેની ખાસ તાલીમ માટે નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા નાગરિક સંરક્ષણ દળની પ્રાથમિક માહિતી, પ્રાથમિક સારવાર, ફયર અને સેફ્ટી તેમજ ૧૦૮ ઈમરજન્સી હેલ્પલાઇન અને અભયમ મહિલા હેલ્પલાઇન સહિતના મોડયુલને હિમાંશુ સોમપુરાના સહયોગથી બ્રેઇલ લિપિમાં તૈયાર કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બધિર બાળકો માટે રમાબેન કોરિયા અને ભક્તિબેન ત્રિવેદી દ્વારા સાઇન લેંગ્વેજથી તાલીમના તમામ મોડયુલની સમજણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ભૂકંપ જેવી આપદાના સમયમાં સ્વરક્ષણ માટે ખૂબ જ મદદરૂપ બનશે
નવજીવન અંધજન મંડળના સેક્રેટરી હિમાંશુભાઈ સોમપુરાએ જણાવ્યું હતું કે, દિવ્યાંગજનોને પણ નાગરિક સંરક્ષણની તાલીમ આપવી ખૂબ જ આવશ્યક હતી. આજે જિલ્લા નાગરિક સંરક્ષણ કચ્છ અને નવચેતન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે બ્રેઈલ લિપિ તૈયાર થવાથી દિવ્યાંગો તેનો અભ્યાસ કરીને તાલીમ મેળવી શકે છે. નવચેતન અંધજન મંડળ માધાપર ખાતેની સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની લુહાર રોઝિનાએ જણાવ્યું હતું કે, નાગરિક સંરક્ષણની તાલીમ બ્રેઈલ લિપિમાં કન્વર્ટ થતાં સરળતાથી મેળવી શકી છું અને આગ, ભૂકંપ કે હાર્ટ એટેક આવે ત્યારે શું કરવું જોઈએ તે વિગતવાર જાણી શકી છું. ભચાઉના દૃષ્ટિહીન વિદ્યાર્થી આયર વિષ્ણુએ જણાવ્યું કે, કચ્છમાં આચંકાઓ અને ભૂકંપ જેવી આપદાઓનો ભય રહે છે તેવામાં બ્રેઈલ લિપિના માધ્યમથી વાંચીને તાલીમ મેળવતાં ભૂકંપ જેવી આપદાના સમયમાં સ્વરક્ષણ માટે ખૂબ જ મદદરૂપ બનશે.
આપત્તિમાં રાહત-બચાવ ઉપરાંત ફાયર સેફ્ટી સહિતની તાલીમ અપાઈ
ચીફ્ વોર્ડન ચિરાગ ભટ્ટ દ્વારા મહત્ત્વની ૧૨ સેવાઓ, કુદરતી અને માનવસર્જિત આપત્તિઓના સમયે કઈ રીતે કામ કરવું તે અંગે જાણકારી અપાઈ હતી.? વોર્ડન મીરાંબેન સાવલિયા અને રોહિતભાઈ ઠક્કર દ્વારા પ્રાથમિક સારવાર, કૃત્રિમ શ્વાસોચ્છવાસ (ઝ્રઁઇ) વગેરે બાબતે વિસ્તૃત જાણકારી અપાઈ હતી.? ભુજ ફયર ડિપાર્ટમેન્ટના ફયરમેન કમલેશભાઈ મતિયા દ્વારા ફયર સેફ્ટી અને આગના સમયે રાહત બચાવની તાલીમ આપવામાં આવી હતી.? ૧૦૮ હેલ્પલાઇનના ઉપયોગ તથા એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ સાધનોની જાણકારી દિવ્યાંગ વિદ્યાર્થીઓને આપવા ઈએમટી પ્રદ્યુમ્નભાઈ અને જિજ્ઞાસાબેન સાથે દિલીપસિંહ ઉપસ્થિત રહ્યા હતા. અભયમના એક્ઝિક્યુટિવ જોનીબેન ગામિત દ્વારા મહિલા હેલ્પલાઇન વિશે જાણકારી આપવામાં આવી હતી.?
નવચેતન અંધજન મંડળ દિવ્યાંગોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ
વર્ષ ૧૯૭૬માં પ્રજ્ઞાચક્ષુ લાલજીભાઈ પ્રજાપતિ દ્વારા સ્થાપિત નવચેતન અંધજન મંડળ દિવ્યાંગો માટે શિક્ષણ, તાલીમ, રોજગાર, સ્વાસ્થ્ય અને રમતગમત ક્ષેત્રે અનેકવિધ સેવાઓ આપે છે. ભચાઉ ખાતે પ્રજ્ઞાચક્ષુ અને બિનદિવ્યાંગ લોકો માટે વૃદ્ધાશ્રામ અને માધાપર ખાતે શાળાઓ, કુમાર અને કન્યા છાત્રાલયો, લાઈબ્રેરી, માનસિક શક્તિ સંવર્ધન કેન્દ્ર અને ફ્િઝિયોથેરોપી સેન્ટર કાર્યરત છે. વ્યવસાયિક તાલીમ માટે ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર અને ગ્રામ્ય વિસ્તારોમાં સેવા માટે લાકડિયા ખાતે કેન્દ્ર પણ કાર્યરત છે. નવચેતન સંસ્થા ૪૪ વિશિષ્ટ શિક્ષકો દ્વારા કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં ૩૭૦૦થી વધુ દિવ્યાંગ બાળકો સુધી શિક્ષણ અને સહાય પહોંચાડે છે. સંસ્થાને રાષ્ટ્રપતિ પારિતોષિક સહિત અનેક રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના પુરસ્કારો પ્રાપ્ત થયા છે.