કચ્છનાં આર્થિક તંત્રમાં ખેતી કે પશુપાલન, ટ્રાન્સપોર્ટ કે અન્ય વેપાર - ધંધા તેમજ અન્ય કામકાજ કરતો યુવાવર્ગ જ નહીં પરંતુ જિંદગીના મહત્ત્વનાં વર્ષોમાં કર્મયોગી તરીકે ફરજ બજાવીને નિવૃત્તિ બાદ પેન્શન મેળવતાં પેન્શનર્સનો પણ મહત્ત્વનો ફાળો છે. તે કચ્છમાં નોંધાયેલા પેન્શનરોનાં આંકડા પરથી સાબિત થાય છે. જિલ્લા તિજોરી કચેરી દ્વારા સમગ્ર જિલ્લામાં હાલે 11,878 જેટલા પેન્શનરોને વર્ષે રૂ. 390 કરોડથી વધુ રકમનું પેન્શન ચૂકવવામાં આવે છે. જે કચ્છના આર્થિક તંત્ર માટે પણ ઉપયોગી બની રહે છે. કારણ કે, તેઓ વન પ્રવેશને એક દાયકા કરતાં વધુ વયે પહોંચ્યા બાદ પણ સન્માનભેર પોતાનું જીવન પસાર કરવાની સાથે પરિવાર માટે પણ મજબૂત ટેકો બનીને ઊભા રહે છે.


નિયત ફોર્મ મળ્યા બાદ પેન્શનરને પ્રથમ ચુકવણું કરવામાં આવે છે

રાજ્ય સરકાર, પંચાયત તેમજ પેન્શનપાત્ર ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓનાં કર્મચારીઓ નિવૃત્ત થયા બાદ તેમના પેન્શન પેમેન્ટ ઓર્ડર તથા પ્રોવિડન્ટ નિયામકની કચેરી દ્વારા જિલ્લાની તિજોરી કચેરીને મોકલવામાં આવે છે. પીપીઓ મળ્યા બાદ પેન્શનરની કચેરી દ્વારા લાસ્ટ પે સર્ટિફિકેટ અને અન્ય જોડાણો, બેન્ક તરફથી સહી-સિક્કા સાથેનું નિયત ફોર્મ મળ્યા બાદ પેન્શનરને પ્રથમ ચુકવણું કરવામાં આવે છે. માસિક પેન્શન ઉપરાંત પેન્શન ડિવિઝન જેમાં પગારપંચ, રિવિઝન, ઉંમર આધારિત વધારાનું પેન્શન, છેલ્લા પગાર અંગેના રિવિઝન સહિતની કામગીરી કરીને તેના તફાવતનું ચુકવણું પેન્શનરોને કરવામાં આવે છે. આ ઉપરાંત પેન્શનરો દ્વારા રજૂ થતાં મેડિકલ રિઇમ્બર્સમેન્ટનાં બિલોની નિયમોનુસાર ચકાસણી કરીને તેનું ચુકવણું કરવામાં આવે છે. પેન્શનરના મૃત્યુનાં કિસ્સામાં કુટુંબ પેન્શન શરૂ કરવામાં આવે છે.

હયાતીની ખરાઈમાં ચૂક થાય તો પેન્શન અટકી પડે

પેન્શનરે તેમની હયાતીની વાર્ષિક ખરાઇ મે, જૂન, જુલાઇ માસ દરમ્યાન વિવિધ બેંકોની બ્રાન્ચમાં કરવાની હોય છે. આ ત્રણ માસમાં પેન્શનરો દ્વારા હયાતીની ખરાઇ કરવામાં ન આવે તો ઓગસ્ટ માસથી પેન્શન મળતું બંધ થઇ જાય છે. હાલમાં કચ્છમાં 11,878 પેન્શનરો છે, જે પૈકી સરકારની જોગવાઇ પ્રમાણે 80 વર્ષની ઉંમરના હોય તેમને વધારાનું 20 ટકા, 85 વર્ષનાં પેન્શનરોને 30 ટકા, 90થી 95 વર્ષનાને 40 ટકા તેમજ 100 વર્ષના પેન્શનરોને 100 ટકા એટલે કે ડબલ પેન્શન આપવામાં આવે છે.

પેન્શનરો પોતાની હયાતીની ખરાઈ ઘેર બેઠા કરાવી શકશે

વડીલોની સરળતા માટે જીવન પ્રમાણ પોર્ટલ પણ શરૂ કરાયું છે. તો જે તે વિસ્તારનાં પોસ્ટમેન દ્વારા પણ હયાતીની ખરાઇ કરી શકાય છે. ખાસ કરીને 85 વર્ષથી ઉપરના જે પણ પેન્શનરો છે તેઓને બેન્કમાં હયાતીની ખરાઈ કરાવા જવાની જરૂર નથી, ઘેર બેઠા જ હયાતીની ખરાઇ કરી શકાય તેવી પણ સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, જેને કારણે વડીલ પેન્શનરોને ઢળતી ઉંમરે બેન્ક સુધી પહોંચવામાં પડતી મુશ્કેલીઓનો પણ અંત આવશે.

કચેરીમાં કનેક્ટિવિટી અને લાઈટ સહિતની સમસ્યા

જિલ્લા તિજોરી કચેરીમાં કનેક્ટિવિટી તેમજ લાઇટની સમસ્યા છાશવારે રહેતી હોય છે, તેની વચ્ચે પણ દર પહેલી તારીખે પેન્શનરનાં ખાતામાં નિયમિત રીતે પેન્શન જમા થઇ જાય તેવો કચેરીનાં સમગ્ર સ્ટાફ દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. હાલમાં સ્ટાફની ઘટ છે, તે વચ્ચે પણ પેન્શન ઉપરાંત સ્ટેપિંગ-સ્ટ્રોંગરૂમ, જુદી-જુદી કચેરીઓનાં બિલો બનાવવા, કચેરીઓનાં ડિપોઝિટ ખાતા, ચેક-ઈ-પેમેન્ટની કામગીરી કરવી તેમજ હિસાબોની કામગીરી પણ કચેરીમાં કરવામાં આવે છે.

ફેમિલી પેન્શન માટે પેન્શનરે તકેદારી રાખવી જરૂરી

કર્મચારી નિવૃત્ત થઇને પેન્શન મેળવતો થાય ત્યારે તેમણે ફેમિલી પેન્શન માટેની આગોતરી તૈયારી કરવી જોઇએ, જેમાં ખાસ કરીને પીપીઓ બુકમાં કુટુંબ પેન્શન માટે જે વ્યક્તિનું નામ હોય તેના પાનકાર્ડ, આધાર કાર્ડ અને બેન્ક એકાઉન્ટમાં એક સરખા જ નામ હોવા જોઇએ. જેથી કરીને પેન્શનરના મૃત્યુ બાદ જે કોઇપણ વ્યક્તિને કુટુંબ પેન્શન મળવાનું હોય તેને પેન્શન મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે નહીં તેથી આટલી તકેદરી રાખવી હિતાવહ છે.

નિયમિત પેન્શન જમા કરવા કચેરી સંપૂર્ણપણે સંવેદનશીલ

જિલ્લા તિજોરી અધિકારી એમ.એન. ચાવડાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં નોંધાયેલા તમામ 11,878 પેન્શનરોને તેમનું પેન્શન ઇ-બેન્કિંગ મારફતે સીધું તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે. કારણ કે, જિલ્લા તિજોરી કચેરી સાથે જિલ્લાની વિવિધે બેન્કો અને બ્રાન્ચ મળી 91 જેટલી બેન્કોમાં દર 1લી તારીખે પેન્શન જમા થઇ જાય તેવી હંમેશાં કાળજી રાખવામાં આવે છે. જો આ દિવસે જાહેર રજા હોય તો તેના બીજા દિવસે એટલે કે ૨જી તારીખે પેન્શનરોને તેમનું પેન્શન અચૂક બેંકમાં જમા કરી દેવામાં આવે છે. આ માટે સમગ્ર કચેરી હંમેશાં સંવેદનશીલ રીતે કામ કરે છે.

વર્ષ 2024-25માં પેન્શનરોને ચૂકવાયેલું માસિક પેન્શન

જિલ્લા કચેરીમાં હાલે 11,878 જેટલા પેન્શનરો નોંધાયેલા છે. જેઓને સરકાર દ્વારા દર મહિનાની ૧લી તારીખે નિયમિત રૂપે પેન્શન આપવામાં આવે છે. જેને કારણે તેઓ રિટાયર્ડમેન્ટ બાદ પણ પોતાનાં પરિવારનો ટેકો બની રહે છે. આ પેન્શનરોને દર માસની ૧લી તારીખે પેન્શન મળી જાય એ રીતે જિલ્લા તિજોરી કચેરી સાથે જોડાયેલી 91 જેટલી બેન્કોની બ્રાન્ચમાં રૂ.32.5 કરોડ જમા કરવામાં આવે છે, પરિણામે નાણાકીય વર્ષ 2024-25માં અંદાજિત રૂ. 390 કરોડથી વધુ રકમનું ચુકવણું પેન્શન તરીકે ભુજની જિલ્લા તિજોરી કચેરી દ્વારા કરવામાં આવ્યું છે.

  • Follow us on: