કચ્છભરમાં બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામના વિવિધ મંદિરોમાં ભગવાન પરશુરામના પ્રાગટયને ઉમંગભેર વધાવવામાં આવ્યું હતું, જેમાં વહેલી સવારે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. બાદમાં હોમ-હવન કરવામાં આવ્યો હતો. સમાપન વેળાએ મહાઆરતી યોજવામાં આવી હતી. બપોર બાદ ઠેર ઠેર બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી હતી. સમાજના લોકોએ પોતાના કામધંધા બંધ રાખીને શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રાના સમાપન બાદ સમૂહપ્રસાદના પણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.


ભુજ ખાતે તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત યુવા પાંખ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સવારે ભુજના આરટીઓ રિલોકેશન સાઇટ અને માધાપરનાં પરશુરામ મંદિર ખાતે બ્રહ્મ સમાજની આગેવાનીમાં પૂજા-અર્ચનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાદમાં હોમ-હવન બાદ શ્રાફળ હોમી યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાઆરતી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સાંજના સમયે ભુજ શહેરમાં વિશાળા શોભાયાત્રા નીકળી હતી. જેમાં વિવિધ ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બ્રહ્મ સમાજનાં લોકો કામધંધા બંધ રાખીને શોભાયાત્રામાં જોડાયા હતા. સમાપન વેળાએ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહપ્રસાદનો પણ કાર્યક્રમ યોજાયો હતો.

મહાદેવ ગેટથી શરૂ થયેલી શોભાયાત્રા વિવિધ માર્ગોમાં ફરી

ભુજ ખાતે સાંજનાં સમયે સમસ્ત બ્રહ્મ સમાજનાં નેજા હેઠળ યુવા પાંખનાં પ્રમુખ અનિત જોશીનાં માર્ગદર્શનમાં મહાદેવ ગેટથી વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ભગવાન પરશુરામની મૂર્તિ સાથે નીકળેલી શોભાયાત્રા જિલ્લા પંચાયત કચેરી રોડ થઇ બસ પોર્ટ રોડ પહોંચી હતી. અહીંથી પેટ્રોલ પંપ, ઈન્દિરાબાઇ પાર્ક, સંતોષી માતાનાં મંદિર, ડીઇઓ કચેરી થઇ જ્યુબિલી સર્કલ પહોંચી હતી અને ત્યારે મુન્દ્રા રોડ ઉપર આવેલા ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.

સમાજની 100 જેટલી બહેનોનો તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર

સમગ્ર બ્રહ્મ સમાજ પ્રેરિત યુવા પાંખ દ્વારા યોજાયેલી શોભાયાત્રામાં ભગવાન પરશુરામની વિશાળ પ્રતિમાની સાથે સાથે વિવિધ ફ્લોટ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ખાસ કરીને સમાજની 100 જેટલી બહેનો તલવાર સાથે શોભાયાત્રામાં જોડાઇ હતી. રૂટ ઉપર વિવિધ રસ્તાઓ ઉપર તલવાર રાસની રમઝટ બોલાવી હતી, જેમાં શહેરીજનોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. એટલું જ નહીં ગરમીને ધ્યાને લઇને શોભાયાત્રાનાં રૂટ ઉપર વિવિધ સેવાભાવીઓ દ્વારા ઠંડા પીણાનાં સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા.

પહલગામ હુમલાના મૃત્યુ પામેલા સદ્ગતોને શ્રદ્ધાંજલિ પાઠવાઇ

સમસ્ત બ્રહ્મ સમાજનાં પ્રમુખ રાજેશ ગોરે જણાવ્યું હતું કે, કાશ્મીરનાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ હિન્દુઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ ઘટનાને ધ્યાને લઇને આ વખતે શોભાયાત્રા સાદગીપૂર્ણ રીતે યોજવામાં આવી હતી. ભજન-કીર્તન સાથે શાંતિપૂર્વક શોભાયાત્રા શહેરનાં માર્ગો પર ફરી હતી. મહાદેવ ગેટથી નીકળેલી શોભાયાત્રાનું ટીન સિટીમાં સમાપન કરવામાં આવ્યું હતું. અહીં સમૂહપ્રસાદ બાદ સર્વે જ્ઞાતિજનો દ્વારા બે મિનિટનું મૌન પાળીને પહલગામ હુમલાનાં સદ્ગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 1 મેના રોજ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને હુમલામાં જવાબદારો સામે સખ્ત કાર્યવાહી કરવાની માગ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

  • Follow us on: