કચ્છ જિલ્લામાં ગેરકાયદે બાંધકામો સામે રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા બુલડોઝર ઝુંબેશ શરુ કરવામાં આવી છે. આજે કચ્છમાં ગેરકાયદે બાંધકામમાં પર ફરી દાદાનું બુલડોઝર ચાલ્યું. તંત્રએ કરોડોની સરકારી જમીન ખુલ્લી કરી. કચ્છ જિલ્લામાં વ્યાવસાયિક અને ખેતીલક્ષી દબાણો દૂર કરાયા. તંત્ર દ્વારા ફરી કચ્છમાં ગેરકાયદે બાંધકામને લઈને હાથ ધરાયેલ કાર્યવાહીમાં બે લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી. જિલ્લામાં અનેક સ્થાનો પર સરકારી જમીન પર વ્યાવસાયિક ધોરણે અને ખેતીલક્ષી દબાણ કરવામાં આવ્યું હતું. ગેરકાયદે દબાણ દૂર કરતા પહેલા તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી જેના બાદ આજે બુલડોઝર ચલાવવામાં આવ્યું. તંત્રની કામગીરી લઈને દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળ્યો.
ગેરકાયદે દબાણો દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાઈ
અગાઉ પણ કચ્છમાં માંડવી, અડોદરા, ભૂજ અને બંદર વિસ્તારોમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. માંડવીના ભુજ ઓકટ્રોય નાકા પાસેના વિસ્તારને ખુલ્લો કરાયો હતો. તેમજ માંડવીમાં બંદરીય વિસ્તારમાં કોમર્શિયલ પાકા બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. આ ઉપરાંત એપ્રિલ મહિનાના આરંભમાં ભચાઉના શિવલખામાં અસમાજિક તત્ત્વોના ગેરકાયદે રહેણાંક મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિર્દેશ બાદ રાજ્ય પોલીસના સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓની ગેરકાયદે મિલકતોની યાદી તૈયાર કરી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
અમદાવાદના ચંડોળા વિસ્તારમાં મેગા ઓપરેશન
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં દ્વારકામાં ગેરકાયદે બાંધકામ દૂર કરવાનું સૌથી મોટું ઓપરેશન હાથ ધરાયું હતું. જેના બાદ આજે અમદાવાદના ચંડોળા તળાવમાં ગુજરાતનું ડીમોલેશનને લઈને મેગા ઓપરેશન હાથ ધરાયું છે. અત્યારે પણ ચંડોળામાં ઘૂસણખોર બાંગ્લાદેશીઓએ પચાવી પાડેલ ચંડોળા વિસ્તારની કરોડોની જમીન ખુલ્લી કરવાને લઈને તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ છે. ગત વર્ષે કંડલા પોર્ટ વિસ્તારમાં બુલડોઝર અભિયાન હેઠળ લગભગ 600 ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા, જેમાં લગભગ 150-200 એકર જમીન મુક્ત કરવામાં આવી. આ વિસ્તારમાં ડ્રગ્સ, ઓઈલ ચોરી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓના કેસો નોંધાયા હતા, જેના કારણે આ કાર્યવાહી જરૂરી બની.