કચ્છમાં ગઈકાલે એટલે કે 22 એપ્રિલે રાત્રે 11.26 કલાકની આસપાસ કચ્છમાં ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા 5 મેગ્નિટયૂડની હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પિૃમ વાગડ વિસ્તારમાંના અમરસર ગામથી ચારથી પાંચ કિલોમીટર દૂર મીઠાના ખેતરોમાં હતું. આ ભૂકંપ જમીનથી આશરે 23.6 કિલોમીટર ઊંડેથી ઉત્પન્ન થયો હતો અને નીચે પથ્થરોમાં ભંગાણ થવાના કારણે જોરદાર અવાજ અને ધડાકા પણ થયા હતા. દોઢ વર્ષમાં આ વિસ્તારના આજુબાજુમાં ચારથી પાંચ મેગ્નિટયૂડ વચ્ચેના ભૂકંપ નોંધાયા છે. મંગળવારના અને છેલ્લા દોઢ વર્ષમાં આવેલા ભૂકંપોનું કેન્દ્રબિંદુ 2001ના ભૂકંપના કેન્દ્રબિંદુની આસપાસનો વિસ્તાર છે.


કચ્છ યુનિ.ના ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ સાયન્સના આસિ. પ્રોફેસર ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે, જિયોલોજીકલી જોતા વર્ષ 2001ના ભૂકંપની ફેલ્ટ સિસ્ટમના વિસ્તારમાં સતત ભૂસ્તરીય હલચલ છે, જેના પગલે ગઈકાલ મંગળવારના નોંધાયેલો પાંચની તીવ્રતાનો આંચકો પણ વર્ષ 2001ના ભૂકંપનો આફ્ટરશોક જ કહી શકાય. આ વિસ્તાર જિયોલોજીકલી ખૂબ જ વીક છે અને અનેક નાના ફેલ્ટ અને ફ્રેક્ચરથી ભરેલો છે, જેને કચ્છ મેનલેન્ડ ફેલ્ટ અને સાઉથ વાગડ ફેલ્ટ વચ્ચેનો સ્ટેપઓવર ઝોન કહેવામાં આવે છે. સ્ટેપઓવર ઝોન તે વિસ્તાર છે, જ્યાં બેથી વધુ ફેલ્ટ મળે છે અને વિવિધ પ્રકારની રચનાઓ ધરાવે છે. બંને ફેલ્ટ દ્વારા વિવિધ પ્રકારના મૂવમેન્ટને કારણે આ વિસ્તારમાં વારંવાર ભંગાણ થાય છે, જેના પરિણામે ઊર્જા નીકળી જવાના કારણે ભૂકંપ આવતા જ રહે છે અને અવાજ-ધડાકા થયા કરે છે.

વર્ષ 2001નો વિનાશક ભૂકંપ પણ આ જ સ્ટેપઓવર ઝોનમાં આવ્યો હતો. જેમ ગઈકાલે મોટો ભૂકંપ આવ્યો, તેમ આ વિસ્તારમાં નાનાથી મોટા ભૂકંપ આવવાની સંભાવના યથાવત્ રહેશે, પરંતુ વારંવાર ભૂકંપ આવવું એક સારી બાબત છે. કારણ કે, તે નિશ્ચિત સમયે ઊર્જા નીકળી જવાથી મોટા ભૂકંપની શક્યતાઓ ઓછી કરે છે. નોંધનીય છે કે, કચ્છમાં ઘણા એક્ટિવ ફેલ્ટ્સ છે અને આ બધા જ ફેલ્ટ રેસ્ટલેસ છે. એટલે કે તેઓ કદી આરામ નથી કરતાં. આ ફેલ્ટ્સ ઉપર મુવમેન્ટ ચાલુ હોવાના કારણે સતત ઊર્જાઓ ભેગી થતી રહે છે અને ભૂકંપની શક્યતા હંમેશાં રહે છે. એટલે કે કયો ફેલ્ટ ક્યારે એક્ટિવ થાય તે નિશ્ચિતપણે કહી શકાય નહીં.

કચ્છ વિસ્તારમાંના એક્ટિવ ફેલ્ટ્સ ઓળખવામાં આવ્યા

આનો અર્થ થાય છે કે, કચ્છનું વહીવટી તંત્ર અને લોકોએ હંમેશાં ભૂકંપ માટે તૈયારી રાખવી જોઈએ. ભૂકંપ આવવાના કારણે થતી નુકસાનીઓનો સામનો કરવા માટે સજ્જ રહેવું જોઈએ. ભૂકંપ કચ્છ માટે એક હકીકત છે, જેને અહીંના લોકો અને તંત્રે સ્વીકારવું જ પડશે. ઘણી જિયોલોજીકલ સ્ટડીઝ દ્વારા કચ્છ વિસ્તારમાંના એક્ટિવ ફેલ્ટ્સ ઓળખવામાં આવ્યા છે. તેથી આ ફેલ્ટ્સની નજીક કોઈપણ વિકાસના કામ કરતી વખતે ભૂકંપપ્રુફ બાંધકામ કરવું કે એક્ટિવફેલ્ટની નજીક બાંધકામ ટાળવું જોઈએ.

કચ્છમાં સૌથી વધુ અને મોટા વિનાશક ભૂકંપ આવી શકે

આખી દુનિયામાં એક્ટિવ ઇન્ટ્રાપ્લેટ સિસ્મિક ઝોન તરીકે પ્રખ્યાત કચ્છ વિસ્તાર, ભારતનાં સિસ્મિક ઝોનના નકશામાં ઝોન-5 તરીકે ઓળખાય છે. જેનો અર્થ એ છે કે, અહીં સૌથી વધુ અને મોટા વિનાશક ભૂકંપ આવી શકે છે. કચ્છ વિસ્તારમાં નિયમિત રીતે ભૂકંપના ઝટકા અનુભવાય છે. કચ્છ અને અહીંના ખડકોનું નિર્માણ આશરે 18 કરોડ વર્ષ પહેલા થયું હતું. જ્યારે ભારત ખંડ આફ્રિકા ખંડથી અલગ થયો. આ પ્રક્રિયામાં અનેક પ્રકારની ફેલ્ટ લાઇનનું નિર્માણ થયું. ભારત ખંડના આફ્રિકાથી અલગ થયા પછી લાંબી મુસાફરી બાદ, યુરેશિયા ખંડ સાથે અથડાતા કચ્છમાં નવા ફેલ્ટોનું નિર્માણ થયું હતું. આ વિસ્તાર જ્વાળામુખી પ્રવૃત્તિઓનો પણ સાક્ષી રહ્યો છે.

કચ્છ અને આસપાસના વિસ્તારોમાં 9થી વધુ આવેલા મોટા ભૂકંપો

કચ્છમાં મોટા ભૂકંપો આવવાની શક્યતા દર્શાવતા કેટલાક પુરાવો પણ છે, જેમાં છેલ્લા ૨૦૦ વર્ષમાં કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ૯થી વધુ મોટા ભૂકંપો આવી ચુક્યા છે. જેમ કે,૧૮૧૯, ૧૮૪૫, ૧૮૪૭, ૧૮૪૮, ૧૮૬૪, ૧૯૦૩, ૧૯૩૮, ૧૯૫૬, ૧૯૭૧ અને ૨૦૦૧માં આવેલા ભૂકંપો. છેલ્લા પાંચ વર્ષમાં પણ કચ્છમાં ચારથી પાંચ મેગ્નિટયૂડના અનેક ભૂકંપો નોંધાયા છે. ભૂકંપના કેન્દ્ર બિંદુઓની નોંધ લઈએ તો કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપોનું કેન્દ્રબિંદુ અલગ અલગ વિસ્તારનું રહેલું છે તેનું કારણ કચ્છમાં એકથી વધુ ફેલ્ટ લાઈન છે.

છેલ્લા દસ હજાર વર્ષના ભૂકંપોથી બનેલી વિવિધ ભૌગોલિક રચનાઓ

કચ્છમાં ડાયનાસોર અને અન્ય જમીન અને દરિયાઈ જીવો જીવતા હતા, પછી નાશ પામ્યા. ખાસ કરીને કચ્છે અનેક ભૂકંપો અનુભવ્યા હતા, જેના પુરાવાઓ આજે પણ પથ્થરોમાં જોવા મળે છે. કચ્છનો વિસ્તાર, જેમાં દરિયો, રણ, મેદાન અને પર્વતો સમાવિષ્ટ છે. આ ફેલ્ટથી નિયંત્રિત થાય છે. અહીંની વિવિધ ભૌગોલિક રચનાઓ છેલ્લા 10 હજાર વર્ષના ભૂકંપોથી બની છે, જેને એક્ટિવ ટેકટોનિક અથવા ન્યોટેકટોનિક રચના કહેવામાં આવે છે.

કચ્છમાં ૧૩ ફોલ્ટ લાઇનો સક્રિય, ગમે ત્યારે ભૂકંપો આવી શકે

ભારત-પાકિસ્તાન બોર્ડરથી શરૂ કરીને અહીં નગરપારકર ફેલ્ટ, પિૃમ રણમાં અલ્લાહબંધ ફેલ્ટ, ખાવડા-ધોળાવીરા-સાંતલપુર વિસ્તારમાં આઇલેન્ડ બેલ્ટ ફેલ્ટ, પચ્છમ વિસ્તારનો ગોરા ડુંગર ફેલ્ટ, ઉત્તર વાગડમાં આવેલો ગેડી ફેલ્ટ, ભીરંડિયારા નજીક આવેલો બન્ની ફેલ્ટ, આધોઈ નજીક સાઉથ વાગડ ફેલ્ટ, લખપતથી ભચાઉ સુધી આવેલો કચ્છ મેઇનલેન્ડ ફેલ્ટ, વિગોડી ગામની નજીક આવેલો વિગોડી ફેલ્ટ, ભુજ કુકમાના દક્ષિણમાં આવેલો કટ્રોલ હિલ ફેલ્ટ, કોઠારાના પૂર્વમાં આવેલો નાયરા ફેલ્ટ, દહીંસરા નજીક સાઉથ કંટ્રોલ હિલ ફેલ્ટ અને દ્વારકા જામનગર વિસ્તારમાં આવેલો નોર્થ કાઠિયાવાડ ફેલ્ટ જેવી અનેક ફેલ્ટ લાઈન છે. આ બધી ફેલ્ટ લાઈન એક્ટિવ છે અને ભવિષ્યમાં મોટા તથા વિનાશક ભૂકંપોની આવવાની શક્યતા દર્શાવે છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષયનો પ્રા.શિક્ષણમાં સમાવેશ કરવાની જરૂર

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કચ્છના લોકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટની વારંવાર ટ્રેનિંગ આપવી જોઈએ, ભૂકંપના મોકડ્રીલનું આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષયનો પ્રાથમિક શિક્ષણમાં ફરજિયાત સમાવેશ કરવો જોઈએ, જેમાં પરિસ્થિતિનો સામનો કરવાની તાલીમ, વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટના શિક્ષણ દ્વારા ભૂકંપ અને વિવિધ પ્રકારની હોનારતોનો સામનો કરવાની કુશળતા શીખવવી જોઇએ. તો જ ભૂકંપ અને અન્ય હોનારતોમાં ઓછામાં ઓછી જાનહાનિ થશે.

નાગરિક સંરક્ષણ વિભાગની ભૂકંપ સંબંધિત તાલીમ કારગર બની શકે

જાણકારોના નાગરિક સંરક્ષણ વિભાગ દ્વારા ભૂકંપ સંબંધિત જાગૃતિ અને બચાવ અંગેની તાલીમ પર ભાર મુકાય તો મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે તેમ છે. સરહદીય કચ્છ જિલ્લામાં નાગરિક સંરક્ષણ વિભાગ યુદ્ધ, આગ, પૂર સહિતની આપત્તકાલીન પરિસ્થિતિમાં કેવી રીતે સાવચેત રહીને અન્યની મદદ કરી શકાય તે સહિતની તાલીમ આપે છે. આ ઉપરાંત અન્ય સરકારી વિભાગોની મદદથી આરોગ્ય, કાયદાકીય બાબતોમાં પણ લોકોને તાલીમબદ્ધ કરે છે. જેના તાલીમ મોડયુલમાં ભૂકંપ સંદર્ભે પણ તાલીમ અપાય છે, પરંતું તેને વધુ વ્યાપક બનાવવાની સાથે લોકો તાલીમ મેળવે તે દિશામાં જાગૃત કાર્યક્રમ હાથ ધરવા પણ હિતાવહ છે.

  • Follow us on: