જિલ્લા પંચાયત હસ્તકના કર્મચારીઓ અત્યાર સુધી કાગળ પર રજા રિપોર્ટ મુકીને ચાલ્યા જતા હતાં, મોટાભાગના કિસ્સાઓમાં રજામાંથી પરત આવ્યા બાદ જ રિપોર્ટ મુકાતા હતા, આ બાબત જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને આવતાં તેમણે સૌથી પહેલા જિલ્લા પંચાયત હસ્તકના તમામ વિભાગોના કર્મચારીઓને સરકારના ઓનલાઈન કર્મયોગી પોર્ટલ પર પહેલાથી રજા રિપોર્ટ મુકવા અને તે મંજુર થયેથી જ રજા રાખવા સ્પષ્ટ તાકિદ કરી હતી. આ માટે તમામ કર્મચારીઓને પત્ર દ્વારા જાણ પણ કરી દેવામાં આવી હતી. જેનું જિલ્લા પંચાયત કચેરીમાં તો 100 ટકા અમલીકરણ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે.


જિલ્લા પંચાયત કચેરી ખાતે 100 ટકા અમલીકરણ શરૂ

આ અંગે વધુ માહિતી આપતાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત હસ્તકના તમામ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ અત્યાર સુધી પોતાનો રજા રિપોર્ટ લખીને આપતા હતા, પરંતુ પહેલાથી આ માટે સરકારનું ઓનલાઈન પોર્ટલ હોવા છતાં તેનો ઉપયોગ જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવતો ન હોવાનું ધ્યાને આવતાં સૌથી પહેલા જિલ્લા પંચાયત કચેરીની તમામ કામગીરીને ઓનલાઈન કરવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં સફળતા મળતાં હવે કર્મચારીઓને પોતાની રજાના રિપોર્ટ માટે કર્મયોગી પોર્ટલનો ઉપયોગ શરૂ કરવા માટે તાકિદ કરવામાં આવી હતી. કોઈને પણ રજા ઉપર જવું હોય તો પહેલાથી જ ઓનલાઈન રજા રિપોર્ટ મુકવામાં આવે તે મંજુર થયેથી જ રજા રાખી શકાશે. જેનું જિલ્લા પંચાયત કચેરી ખાતે 100 ટકા અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

કર્મયોગી પોર્ટલ ઉપર અગાઉથી જ રજા મુકવી પડશે

હવે ગ્રામ પંચાયતોમાં તલાટી સહિતના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ જિલ્લા પંચાયત હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓના શિક્ષકો સહિતના કર્મચારીઓ માટે પણ આ જ રીતે રજા માટે કર્મયોગી પોર્ટલનો ઉપયોગ ફરજિયાત કરવા માટે ગતિવિધિ તેજ કરવામાં આવી છે. જેમાં સૌથી પહેલા પ્રાથમિક શાળાઓમાં અમલીકરણ માટે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. કારણ કે છેવાડાના વિસ્તારોમાં આવેલી શાળાઓમાં પહેલાથી જ શિક્ષકોની સંખ્યામાં ઘટ છે અને જે ફરજ પર છે તેઓ જ્યારે જ્યારે રજા ઉપર જાય છે, ત્યારે ત્યારે પહેલેથી તૈયાર કરાયેલા તારીખ વગરનો રજા રિપોર્ટ તૈયાર રખાતો હોય અને ચેકીંગ આવ્યેથી તે રિપોર્ટ મુકાતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે, પરંતુ હવે કર્મયોગી પોર્ટલ ઉપર અગાઉથી જ રજા મુકવી પડશે. જેના કારણે આવી ત્રુટીઓ પણ દૂર કરી શકાશે.

કચ્છ જિલ્લો કર્મયોગી પોર્ટલની અમલવારીમાં રાજ્યમાં પ્રથમ બનશે

ગુજરાતનો સૌથી મોટો કચ્છ જિલ્લો છે, ત્યારે ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં ગ્રામ્ય કક્ષાએ જિલ્લા પંચાયત હસ્તક ફરજ બજાવતા શિક્ષકો સહિતના તમામ કર્મચારીઓ ટુંક સમયમાં જ કર્મયોગી પોર્ટલ ઉપર જ પોતાનો રજા રિપોર્ટ મુકતા થઈ જશે. જિલ્લા પંચાયત હસ્તકના તમામ કર્મચારીઓ પોર્ટલ ઉપર રજા એપ્લાય કરવાનું શરૂ કરવાની અમલવારીમાં સમગ્ર રાજ્યમાં કચ્છ પ્રથમ જિલ્લો બનશે. ડીડીઓએ દાહોદમાં આ સંદર્ભે અમલવારી શરૂ કરાવી હતી, પરંતુ કચ્છમાં પ્રાથમિક શિક્ષકોને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે.

કર્મયોગી પોર્ટલના ઉપયોગ માટે કર્મચારીઓને તાલીમ અપાઈ

જિલ્લા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને કર્મયોગી પોર્ટલ ઉપર રજા રિપોર્ટ મુકવાની 100 ટકા અમલવારી કરી દેવામાં આવી છે. તે જ રીતે હવે તમામ તાલુકામાં ફરજ બજાવતાં તમામ કર્મચારીઓ માટે પણ કર્મયોગી પોર્ટલની સુવિધાનો ઉપયોગ ફરજિયાત કરવા માટે પત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. કર્મયોગી પોર્ટલના ઉપયોગ સંદર્ભે પહેલાથી જ કર્મચારીઓને તાલીમ પણ આપી દેવામાં આવી હતી.

  • Follow us on: