ગુજરાતમાં છાશવારે ડ્રગ્સની હેરાફેરી કરતાં પેડલરો પકડાતા હોય છે. કચ્છના ભુજમાં શેખપીર ત્રણ રસ્તા પાસેથી પોલીસે 17 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતાં. પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ડ્રગ્સ સહિત 17 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.


પોલીસે 17 લાખનો મુદામાલ જપ્ત કર્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે કચ્છના ભુજમાં શેખપીર ત્રણ રસ્તા પાસેથી ભુજ એસઓજી પોલીસે ડ્રગ્સ વેચવા માટે નીકળેલા બે આરોપીઓને 1.70 લાખની કિંમતના 17 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતાં. બંને આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસે આરોપીઓ પાસેથી આઇસર ટ્રક , મોબાઈલ , ડ્રગ્સ સહિત કુલ 17 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

અમદાવાદથી ડ્રગ્સ મોકલાયુ હતુ

પોલીસે જણાવ્યું હતું કે,શેખપીર ત્રણ રસ્તા પાસે બે આરોપીઓ ડ્રગ્સ લઈને નીકળ્યા હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે વોચ ગોઠવીને તેમને ઝડપી લેવામાં આવ્યાં છે. તેમની સામે પદ્ધર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં આરોપીને અમદાવાદથી ડ્રગ્સ મોકલવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે. આ કેસમાં વધુ બે આરોપીઓની સંડોવણી ખૂલતા તેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


  • Follow us on: