પૂર્વ કચ્છની આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરવાનો પ્રયાસ કરતા બિહારી શખ્સને BSFએ રણના ઝીરો પોઈન્ટ પરથી ઝડપી લઈ બાલાસર પોલીસને હવાલે કરતા પોલીસે પુછપરછ શરૂ કરી છે. હાલમાં પોલીસે તેની પાસેથી મોબાઈલ, પાસપોર્ટ, બેન્કની બુક સહિતનું સાહિત્ય કબ્જે કર્યું હતું.
શખ્સ આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગવાનો પ્રયાસ કરતા ઝડપાયો
પ્રાપ્ત માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાગડ વિસ્તારના રાપર તાલુકાના બાલાસર પોલીસ મથક હેઠળના બેલા મૌઆણા, ખડીર, કુડા, લોદ્રાણી, સહિતના રણ વિસ્તારમાં આવેલા પંખેરાપીર લોદ્રાણી ખાતે બિહારના મુજફ્ફરનગરનો સમીર સમશેર અંસારી મહંમદ (મુસ્લીમ) શખ્સ રવિવારે બપોરના અરસામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ઝીરો લાઈન પર આવેલા પીલ્લર નં.992 પાસેથી બીએસએફની ઝઝામ બીઓપી પાસેથી આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગવાનો પ્રયાસ કરતા ઝડપાયો હતો.
પોલીસે તમામ ઓળખના પુરાવા કર્યા કબ્જે
બીએસએફ દ્વારા પકડાયેલા શખસને બાલાસર પોલીસ મથકે સોંપી આપતા પી.આઈ. એમ.એન.દવે તથા તેમની ટીમ દ્વારા બિહારના સમીર પાસેથી તેનું આધારકાર્ડ, પાસપોર્ટ, બેન્કની બુકો સહિતનું સાહિત્ય કબ્જે કર્યું હતું. પોલીસની પુછપરછમાં સમીર અંસારીએ ગત તા.17ના રોજ લોદ્રાણી ખાતે પંખેરાપીરના દર્શન કરવા આવ્યો હોવાનું અને રણમાં રસ્તો ભુલી ગયો હોવાથી આંતરરાષ્ટ્રીય સીમા સુધી પહોંચી ગયાનું રટણ અવિરત જારી રાખ્યું હતું. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.