પાટણ જિલ્લામાં હારીજ તાલુકામાં આજે સવારે અકસ્માત બન્યાની ઘટના સામે આવી છે. હારીજમાં કાઠી નાણાં ગામ પાસે ટ્રેકટર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ટ્રેક્ટરના ટાયરમાં આવી જતા બાઈકચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજયું. હારીજ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ગંભીર ઇજાને પગલે યુવકનું ઘટનાસ્થળ પર મોત
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ હારીજ તાલુકામાં કાઠી નાણા ગામ પાસે વહેલી સવારે અકસ્માતની ઘટના બનવા પામી. કાઠી નાણા ગામ પાસે માર્ગ પરથી પસાર થતા ટ્રેકટર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ. ટ્રેક્ટરના ટાયર નીચે બાઈક સવાર આવી ગયો અને માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે યુવકનું મોત નિપજયું. બાઈક સવાર યુવક દૂધ ભરાવી ધરે પરત ફરતા હતો ત્યારે જ કાળનો કોળિયો બન્યો. અકસ્માતને પગલે સ્થાનિકો ભેગા થઈ ગયા. લોકોએ યુવકને બચાવવા પ્રયાસ કરતા તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને કોલ કર્યો. પરંતુ એમ્બ્યુલન્સ પંહોચે તે પહેલા જ ગંભીર ઇજાને પગલે યુવકે ઘટનાસ્થળ પર જ અંતિમ શ્વાસ લીધા.
પુત્ર મોતને ભેટતા પરિવારમાં માતમ
પોલીસને અકસ્માતની માહિતી મળતા ઘટનાસ્થળ પર પંહોચી. પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકના મૃતદેહને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પોલીસે અકસ્માતની પ્રાથમિક તપાસ કરતા યુવકનું નામ ભરતજી ઠાકોર હોવાનું સામે આવ્યું છે. 30 વર્ષીય યુવક ભરતજી ઠાકોર કાઠી ગામનો વતની છે. યુવકના મોતના સમાચારના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો. કાઠી ગામના યુવાનના મોતથી સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. હારીજ પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી. અગાઉ પણ હારિજમાં ટ્રક અને કારનો ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા.