ગીરસોમનાથમાં સિંહની હત્યાના પ્રયાસનો મામલો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વન વિભાગ દ્વારા સિંહને મારવારના પ્રયાસમાં કાર્યવાહી કરવામાં આવી છે. આખરે વન વિભાગ દ્વારા સિદ્ધિ સિમેન્ટ કંપનીના કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધ્યો હોવાની માહિતી સામે આવી છે.
સિમેન્ટ કંપનીના કર્મચારી વિજય જખૌત્રા સામે ગુનો દાખલ
ગીરસોમનાથમાં સિંહને મારવારના પ્રયાસમાં કાર્યવાહી થઈ છે. આખરે વન વિભાગ દ્વારા સિદ્ધિ સિમેન્ટ કંપનીના કર્મચારી વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે. રાજકીય નેતા દ્વારા કંપનીના બચાવ માટે વનમંત્રી સુધી ધમપછાડાની ચર્ચા પણ તેજ બની છે. સુત્રાપાડાના મોરાસા ગામે માઇનિંગ વિસ્તારમાં ઘટના બની હતી. રાત્રીના સમયે સિંહને લોડર મશીન વડે કચડી નાખવાનો પ્રયાસ કરાયો હોવાનું સામે આવ્યું છે.

વીડિયો વાયરલ થતાં વન વિભાગ હરકતમાં
હીંચકારી આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં વન વિભાગ હરકતમાં આવ્યું હતું. રાજકીય દબાણના કારણે ગુન્હો નોંધવામાં વિલંબ થયાની ચર્ચા પણ થઈ રહી છે. વન વિભાગ દ્વારા પાધરુકા ગામના વિજય જખૌત્રા નામના ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમ 2(16), 2(36), 2(37), 9, 39, 50, 51 મુજબનો ગુન્હો દાખલ કર્યો છે. વન વિભાગ દ્વારા આ અંગે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી ફરાર થઇ જતાં ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.