અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં આતંક મચાવનાર વધુ 2 આરોપીઓની રામોલ પોલીસે ધરપકડ કરી છે. અત્યાર સુધી આ કેસમાં રામોલ પોલીસે કુલ 16 આરોપીની ધરપકડ કરી લીધી છે. ત્યારે કોણ છે આ 2 આરોપીઓ અને તેમનો શું રોલ હતો આ પ્રકરણમાં જોઈએ આ રિપોર્ટમાં.


બંને આરોપીઓને પંકજ ભાવસારની ગેંગ માટે કામ કરવું ભારે પડ્યું

પોલીસની ગિરફતમાં ઉભેલા આ આરોપીનું નામ રવિ તિવારી (સફેદ ટી શર્ટ) અને હેમંત ભાવસાર (પીળી ટીશર્ટ) છે. બંને આરોપીઓને પંકજ ભાવસારની ગેંગ માટે કામ કરવું ભારે પડ્યું છે, જેના કારણે આજે તેઓ જેલના સળિયા ગણી રહ્યા છે. આરોપી હેમંત ભાવસાર વસ્ત્રાલ કાંડના મુખ્ય આરોપી પંકજ ભાવસારનો કૌટુંબિક ભાઈ છે, જેણે વસ્ત્રાલમાં બબાલ કરવા માટે રવિ તિવારીને બોલાવ્યો હતો. રવિ તિવારી અત્યાર સુધી પકંજના સંપર્કમાં નહોતો, પરંતુ તેના મિત્ર હેમંત ભાવસારના કહેવાથી તે દંડો લઈને વસ્ત્રાલ પહોંચ્યો હતો, જેને વીડિયો તેમજ સીસીટીવી ફૂટેજ આધારે રામોલ પોલીસે ઝડપી પાડ્યો છે.

પંકજ ભાવસાર અને સંગ્રામસિંગ શિકરવાર વચ્ચે વિસ્તારમાં વર્ચસ્વ જમાવવાની લડાઈ

વસ્ત્રાલમાં આતંક મચાવનારા 16 આરોપીઓ સુધી તો પોલીસ પહોંચી ચૂકી છે પણ આ ગેંગનો મુખ્ય આરોપી પંકજ ભાવસાર 6 દિવસ પછી પણ ફરાર છે, જેના સુધી પોલીસ પહોંચી શકી નથી. પંકજ ભાવસાર અને સંગ્રામસિંગ શિકરવાર વચ્ચે વિસ્તારમાં વર્ચસ્વ જમાવવાની લડાઈમાં આ માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે, પકડાયેલા આરોપી પૈકી 7 આરોપીઓ સામે એક પણ ફરિયાદ દાખલ થઈ નથી. જ્યારે 3 આરોપી સામે દારૂ, જુગારની ફરિયાદો તેમજ અન્ય 3 આરોપીઓ સામે શરીર સંબંધી ગુનાઓ નોંધાયેલા છે. હોળીના પર્વે આરોપી પંકજે કેટલાક મિત્રોને હોળીનું સેલિબ્રેશન કરવા તો કેટલાક મિત્રોને ઝઘડો થયો હોવાનું કહીને ભેગા કર્યા હતા.

ગેંગનો મુખ્ય આરોપી હજુ પણ ફરાર

આ ઘટનામાં હજુ પણ 4 આરોપીઓ ફરાર છે, જેમાં ગેંગનો ફરાર મુખ્ય આરોપી પંકજ ભાવસાર 6 દિવસથી ફરાર હોય તેને ઝડપવા માટે ક્રાઈમ બ્રાન્ચ, LCB ઝોન-5 અને સ્થાનિક પોલીસ ટીમને કામે લગાડવામાં આવી છે. ફરાર મુખ્ય આરોપી પંકજ ભાવસાર વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 8 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને બે વખત પાસા પણ થઈ ચૂકી છે, થોડા દિવસ પહેલા જ પંકજ જેલમાંથી બહાર આવ્યો હતો અને આ કારસ્તાન કર્યું હતું.

  • Follow us on: