ગુજરાતમાં ફરીવાર કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાજ્ય સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે.શહેરમાં ચાલુ મહિનામાં જ 39 કેસ સામે આવ્યાં છે. જેમાં 8 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે.જ્યારે 31 કેસ એક્ટિવ છે.શહેરમાં સૌથી વધુ 10 કેસ ઉત્તર પશ્ચિમ ઝોનમાં નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા 01 કેસ મધ્ય ઝોનમાં નોંધાયો છે.
છેલ્લા ચારેક દિવસથી કોરોનાએ ફરીવાર હાહાકાર મચાવ્યો
ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી કોરોનાએ ફરીવાર હાહાકાર મચાવ્યો છે. રાજકોટ, મહેસાણા, જૂનાગઢ સહિતના વિસ્તારોમાંથી કેસ સામે આવી રહ્યાં છે. આ ઉપરાંત તાજેતરમાં બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાનો પગપેસારો જોવા મળ્યો છે. 11 વર્ષના બાળકનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ, રાજકોટ બાદ નડિયાદમાં એક 8 મહિનાની બાળકીનો કોરોના પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.બાળકીને તાવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
કોરોનાના કેસ વધતાં તંત્ર હાઈએલર્ટ મોડમાં
આ ઉપરાંત ભરૂચમાં પણ કોરોનાના કેસ વધતાં તંત્ર હાઈએલર્ટ મોડમાં આવી ગયું છે. ભરૂચની સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. આ ઉપરાંત 100 બેડનો વોર્ડ પાંચ ઓક્સિજન પ્લાન્ટ સાથે કાર્યરત છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલનું તંત્ર ફરી એકવાર એલર્ટ મોડમાં આવી ગયું છે. સિવિલ હોસ્પિટલનું તંત્ર 800 બેડની તૈયારી સાથે સજ્જ બન્યું છે.