અમદાવાદના વસ્ત્રાલના સુમિનપાર્ક વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક નોંધપાત્ર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે. દોઢ મહિના પહેલા અપાયેલી નોટિસના જવાબમાં ઘર ખાલી ન કરનાર કુખ્યાત અસામાજિક તત્વો સામે કાર્યવાહી શરુ કરી છે. કુખ્યાત પંકજ ભાવસારના મકાન પર AMCએ ડિમોલિશન શરૂ કર્યું છે. અસામાજિક તત્વો સામે AMCએ કડક પગલાં ભરવા મક્કમ નિશ્ચય કર્યો છે. વિશેષ કરીને સુમિનપાર્ક વિસ્તારમાં પંકજ ભાવસારના મકાનને ડિમોલિશન કાર્યવાહી હેઠળ તોડવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો હતો, જેથી કોઈ અશાંતિ કે વિઘ્ન સર્જાય નહીં.
અમદાવાદમાં ડિમોલિશનની કામગીરી
પોલીસ ચોપડે ચડી ગયેલા કુખ્યાત પંકજ ભાવસાર મોસ્ટ વોન્ટેડ આરોપી છે. દોઢ મહિના પહેલા તેને નોટિસ પાઠવાઈ હતી કે, ઘર ખાલી કરી દેવામાં આવે પરંતુ ઘર ખાલી ન કરતા AMCએ ડિમોલિશન કાર્યવાહી કરી હતી.હાલ AMCએ પંકજ ભાવસારના ઘરના પહેલા માળને તોડી પાડ્યો છે.તેમજ આ કાર્યવાહી હેઠળ આરોપીઓની ગેરકાયદેસર પ્રોપર્ટીને તોડી પાડવામાં આવ્યા છે.અમદાવાદમા ગુનાખોરીમાં શામેલ તત્ત્વો સામે AMC અને પોલીસે બુલડોઝર કાર્યવાહી હાથ ધરી છે. જેમાં તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમના દ્વારા બનાવાયેલા ગેરકાયદેસર મકાનો પર તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે.
AMCની લુખ્ખા તત્વો સામે કાર્યવાહી
અમદાવાદમાં અગાઉ પણ આવી ઘણી કાર્યવાહીઓ કરવામાં આવેલ છે, જેમાં થોડા સમય અગાઉ રખિયાલ વિસ્તારમાં આવેલા અસામાજિક તત્ત્વોએ રમખાણ મચાવ્યું હતું. તલવાર જેવા ઘાતક હથિયારો સાથે લોકો પર હુમલો કરી દીધો હતો. તેવા તત્ત્વોને પોલીસે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ તેમના ઘરો પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી.