ડિજિટલ અરેસ્ટના કેસમાં ચાઈનીઝ ગેંગ સાથે સંડોવાયેલા 4 ગુજરાતીઓની સોલા પોલીસે ધરપકડ કરી છે. સોલાના એક વેપારીને ડિજિટલ અરેસ્ટ કરી આ ગેંગે રૂપિયા પડાવ્યા હતા. છેલ્લા 3 વર્ષથી ડિજિટલ અરેસ્ટ સ્કેમમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરતાં 14 જેટલી ઠગાઈનો ભેદ ઉકેલાયો છે.


મની લોન્ડરીંગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરતા

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી પ્રિન્સ રવીપરા, જૈમીનગીરી ગોસ્વામી, તનવીર મધરા અને શાહીલ મુલતાનીની ડિજિટલ અરેસ્ટ કેસમાં ધરપકડ કરી છે. આ આરોપીઓ છેતરપિંડી કરવા માટે ચાઈનીઝ ગેંગને બેન્ક એકાઉન્ટ પ્રોવાઈડર કરાવતા હતા. જે બેન્ક એકાઉન્ટમાં ભોગ બનેલા લોકોના રુપિયા જમા થતા હતા. સાથે જ સોલાના એક વેપારીને મુંબઈના ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારી બનીને મની લોન્ડરીંગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા અને તેમના એકાઉન્ટમાંથી 97,000 યુપીઆઈથી ટ્રાન્સફર કરાવ્યા હતા. આ આરોપીએ ભોગ બનનારને ઓનલાઈન એક વકીલને સ્કાયપે ઉપર હાયર કરીને વેપારીની બેન્ક ડીટેલ્સ મેળવી હતી. આ કેસમાં નાણાં ટ્રાન્સફર થયેલા એકાઉન્ટની પોલીસે તપાસ કરતા એકાઉન્ટ પ્રોવાઈડ કરતા એકાઉન્ટ હોલ્ડર અને ભાડે એકાઉન્ટ લેનાર એજન્ટોની પોલીસ જૂનાગઢથી ધરપકડ કરી છે.

ગૂગલ પર ટ્રાન્સલેટ કરીને ચાઈનીઝ ભાષામાં વાતચીત કરતા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડિજિટલ અરેસ્ટના માસ્ટર માઈન્ડ પ્રિન્સ રવિપરા અને જૈમીનગીરી છે. આરોપી પ્રિન્સ ચાઈનીઝ નંબરો ધરાવતા પ્રોસેસરોને એકાઉન્ટની વિગતો મોકલી અમેરિકન ડોલર ટ્રાન્સફર કરીને ભાડેથી એકાઉન્ટ મેળવતો હતો. જેની માટે ગૂગલ પર ટ્રાન્સલેટ કરીને ચાઈનીઝ ભાષામાં વાતચીત કરતો હતો. જ્યારે આરોપી જૈમીનગીરી એકાઉન્ટ હોલ્ડરો પાસે એકાઉન્ટ ભાડે લેતો હતો. આ બંને આરોપીઓ +44 વાળા ચાઈનીઝ મોબાઈલ નંબરો ઉપયોગ કરતો હોવાનું ખુલ્યું છે. આરોપીઓ બાયનાન્સ એપ્લિકેશન તથા ટેલિગ્રામ એપ્લિકેશન મારફતે પ્રોસેસરોના સંપર્ક કરતો હોવાનું ખુલ્યું છે. આરોપીઓ મહિને 5થી 10 હજાર એકાઉન્ટ ભાડે રાખતા હતા. જેમાં બે રીક્ષા ચાલક શાહીલ અને તનવીરનું એકાઉન્ટ ભાડે લીધું હતું. મુખ્ય સૂત્રધાર પ્રિન્સ ભાડે લીધેલા એકાઉન્ટમાં ચીટીંગના પૈસા નખાવી અમેરિકન ડોલર ટ્રાન્સફર કરાવી ઊંચા ભાવે વેચી લાભ લેતો હતો. પકડાયેલી ટોળકી છેલ્લા ત્રણ વર્ષથી ડિજિટલ અરેસ્ટ કરીને અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે અત્યાર સુધીમાં આરોપીના 14 જેટલા બેન્ક એકાઉન્ટ છેતરપિંડીમાં ઉપયોગ થયો હોવાનું ખુલ્યું છે.

મોબાઈલ ફોન FSLમાં મોકલાયા

પકડાયેલા આરોપીમાં જૈમીનગીરી વિરુદ્ધ અગાઉ પાલનપુર અને મોડાસામાં સાયબર છેતરપિંડીના ગુના નોંધાયા છે. જ્યારે પ્રિન્સ વિરુદ્ધ વડોદરામાં ડીજિટલ અરેસ્ટને લઈ ગુનો નોંધાયો છે. પોલીસે બંને આરોપીના મોબાઈલ ફોન કબજે લઈ એફ.એસ.એલમાં મોકલ્યા છે. આરોપીઓ ગુજરાત તથા અન્ય રાજ્યોમાં અને વિદેશના ગેંગ સાથે સંપર્કમાં હોવાનું સામે આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. ત્યારે ડિજિટલ અરેસ્ટ કરતી આ ગેંગ દ્વારા અન્ય કોણ કોણ ભોગ બન્યું છે. તે અંગે પણ તપાસ શરુ કરવામાં આવી છે.

  • Follow us on: