અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં આવેલી સાકળચંદ મુખીની ચાલીમાં ગત મોડી રાતે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. મૃતક નિતિન પઢીયારનું ચાલીમાં રહેલા બે આરોપી કિરણ ચૌહાણ અને ગીરીશ સરગરાએ તેની હત્યા કરી હતી. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી મૃતક નિતિનના આરોપી કિરણની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા હતી અને તે જ કારણે કિરણ અને નિતિન વચ્ચે તકરાર થતી હતી. તે જ કારણે ગઈકાલે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.


આડા સંબંધની શંકાથી અગાઉ પણ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી

નિતિનની હત્યાની તપાસ કરતા હકીકત સામે આવી કે મૃતક નિતિનના લગ્ન 18 વર્ષ પહેલા થયા હતા અને તેને 3 બાળકો તથા પરિવાર સાથે તે સાકળચંદ મુખીની ચાલીમાં વસવાટ કરે છે. સાથે જ આરોપી તેની પત્ની સાથે નજીકમાં જ રહેતો હતો અને નિતિન તથા આરોપી કિરણની પત્ની વચ્ચે આડા સંબંધની શંકાથી અગાઉ પણ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે વાતની શંકા રાખી ગઈકાલે સાળા બનેવી કિરણ અને ગીરીશે હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે બંનેની ધરપકડ કરી છે.

અન્ય એક આરોપી પણ શંકાના દાયરામાં

હત્યાના ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. જોકે અન્ય એક દેવા નામના આરોપીનું નામ પણ પરિવારજનો જણાવી રહ્યા છે. જોકે હત્યામાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ ઝડપાયેલા આરોપી વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના ગુના પણ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હત્યાના ગુનામાં પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું મહત્વનું છે.

  • Follow us on: