અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીએ જમાવટ કરી છે, ત્યારે અમદાવાદ શહેરમાં કાતિલ ઠંડીએ રોગચાળો પણ વધાર્યો છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં 11,599 ઓપીડી નોંધાઈ ચૂકી છે. બીજી તરફ ઠંડીના લીધે વાયરલના 1,558 દર્દી નોંધાયા છે, જેમાં 200થી વધુ દર્દીને એડમિટ કરવાની પણ ફરજ પડી છે.


સોલા સિવિલમાં ઉતરાયણ પર 36 કેસ અને વાસી ઉતરાયણે 16 કેસ નોંધાયા

સોલા સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 65 દર્દીના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે, જેમાંથી 15થી વધુ કેસ પોઝિટિવ આવ્યા છે તો મેલેરિયાના શંકાસ્પદ 162 દર્દીએ હોસ્પિટલમાં સારવાર લીધી છે. જણાવી દઈએ કે બે દિવસ ઉતરાયણના પર્વ પર ઈમરજન્સી દર્દીઓની ઓપીડીમાં વધારો થયો છે. સોલા સિવિલમાં ઉતરાયણ પર 36 કેસ અને વાસી ઉતરાયણે 16 કેસ નોંધાયા છે. દોરીથી ઈજાગ્રસ્ત એક દર્દીને એડમિટ કરવાની ફરજ પડી છે. પીડિયાટ્રિક વિભાગમાં શરદી ખાંસી સહિત 70થી 80 બાળકોના કેસ નોંધાયા, જેમાં 30 બાળકોને એડમિટ કરવાની ફરજ પડી.

વડોદરામાં પણ વાતાવરણમાં ફેરબદલથી રોગચાળો વકર્યો

બીજી તરફ સંસ્કારીનગરી વડોદરામાં પણ વાતાવરણમાં ફેરબદલથી રોગચાળો વકર્યો છે. શહેરમાં શરદી, ખાંસી અને તાવના કેસોમાં વધારો થયો છે. સરકારી હોસ્પિટલમાં કેસોમાં વધારો થયો છે. એક જ સપ્તાહમાં 3,000થી વધુ શરદી, ખાંસી અને તાવના કેસ સામે આવ્યા છે. માત્ર સરકારી હોસ્પિટલમાં જ હજારો કેસ નોંધાયા છે, પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓનો આંકડો ગણતરીમાં સામેલ કરવામાં આવ્યો નથી. ત્યારે હજુ પણ તાપમાન ગગડતા દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા રહેલી છે.  

  • Follow us on: