અમદાવાદના બોપલમાં પ્રિવિલોન બિલ્ડકોઈનના નામે બે અલગ અલગ સ્કીમો મૂકી 54 કરોડની ઠગાઈ કરનારા બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે. છેતરપિંડીના કેસમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે મુખ્ય આરોપી ફરાર હોવાથી પોલીસે એસઆઈટી બનાવી ફરાર આરોપીની ધરપકડ કરી છે. ભોગ બનનારને મૂડી પરત મળે તે માટેની કવાયત શરૂ કરવામાં આવી છે.


સેલેસ્ટીયન બાય 14 સ્ટોરી અને રીચમન્ડ બાય 22 સ્ટોરીના નામે બે અલગ અલગ સ્કીમો મૂકી

અમદાવાદની બોપલ પોલીસે આરોપી હિરેન કારીયાની ધરપકડ કરી છે. જેને બોપલના શેલા વિસ્તારમાં સેલેસ્ટીયન બાય 14 સ્ટોરી અને રીચમન્ડ બાય 22 સ્ટોરીના નામે બે અલગ અલગ સ્કીમો મૂકી 240 જેટલા રોકાણકારો સાથે 54 કરોડની છેતરપિંડી આચરી હતી. જે ગુનામાં અગાઉ બિલ્ડર જયદીપ કોટકની ધરપકડ કરવામાં આવી હતી. જોકે હિરેન કારીયા ફરાર હોવાથી અલગ અલગ ટીમો બનાવી તેની પણ ધરપકડ કરવામાં આવી છે.

પૂર્વ આયોજિત કાવતરું રચી છેતરપિંડીને અંજામ આપ્યો

ગુનાના બંને મુખ્ય આરોપીની ધરપકડ કરી તપાસ કરતા હકીકત સામે આવી કે આરોપીઓએ જમીન પોતાની માલિકીની ન હોવા છતાં ફ્લેટ અને દુકાન વેચાણ આપી ખોટું નોટરાઈઝ તથા એમઓયુ બનાવી પૂર્વ આયોજિત કાવતરું રચી છેતરપિંડીને અંજામ આપ્યો હતો. પોલીસ તપાસમાં જયદીપ કોટકની બહેન મિત્તલ કોટક વિરુદ્ધ પણ ભોગ બનનારોએ આક્ષેપ કર્યા હતા. જેથી મિત્તલ કોટકની સંડોવણી અંગે ગ્રામ્ય પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ 54 કરોડ રૂપિયા આરોપીઓએ ક્યાં રોકાણ કર્યા અને તેનો શું ઉપયોગ કર્યો તે અંગે પણ તપાસ શરૂ કરી છે.

પોલીસે ભોગ બનનારાઓને તેમના રૂપિયા પરત મળે તે માટે કાર્યવાહી શરૂ કરી

મધ્યમ વર્ગના અને ગરીબ લોકો જે પોતાના સ્વપ્નના મકાનની આશા રાખીને બેઠા હતા, તે જ બિલ્ડર દ્વારા તેમની સાથે ઠગાઈ કરતા પોલીસે ભોગ બનનારાઓને તેમના રૂપિયા પરત મળે તે માટે કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ આરોપીઓ પાસેથી મળેલા ડેટા અને ભોગ બનનાર લોકોએ આપેલી માહિતીના આધારે પોલીસે હિરેન કારીયાની તપાસ માટે 14 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. ત્યારે પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે તે જોવું મહત્વનું છે.

  • Follow us on: