અમદાવાદના દિલ્હી દરવાજા પાસે પાડા ભરેલી બોલેરો પીકઅપ વાન રોકીને ડ્રાઈવરને માર મારીને મોબાઈલ ફોન લુંટવાના મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ચાંદખેડાથી બોલેરો વાનનો પીછો કરીને દિલ્હી દરવાજા સુધી પહોચ્યા હતાં. જો કે ઘટનાની જાણ બાદ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં તો બીજી તરફ કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તે માટે મોટા પ્રમાણમાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો હતો.
કેટલાક લોકોએ ચાંદખેડાથી 3 બોલેરો વાનનો પીછો કર્યો હતો
શહેરના દિલ્હી દરવાજા પાસે પશુઓની તસ્કરી થઈ રહી હોવાના મેસેજ મળતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. જો કે જોત જોતામાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસે ટોળાને વિખેરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી. સીસીટીવીના આધારે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કેટલાક લોકોએ ચાંદખેડાથી 3 બોલેરો વાનનો પીછો કર્યો હતો અને દિલ્હી દરવાજા પાસે રોકીને બોલેરો વાનના ડ્રાઈવરને માર મારીને મોબાઈલ ફોન લુંટી લીધા હતાં. જે મામલે માધુપુરા પોલીસે ગુનો દાખલ કરીને 6 આરોપીઓની ધરપકડ કરી છે.
14 જેટલા આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ
પોલીસે ધરમશી દેસાઈ, જૈમિન દેસાઈ, વિશાલ દેસાઈ, વાલજી રબારી, ધ્રુવ દેસાઈ અને વિક્રમ દેસાઈ નામના 6 આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ત્રણ બોલેરો વાનમાં પાડા ભરીને લઈ જવામાં આવી રહ્યા હોવાની જાણ થતાં જ આરોપીઓએ ચાંદખેડાથી બોલેરો વાનનો પીછો કર્યો હતો અને દિલ્હી દરવાજા પાસે આ બોલેરો વાનને રોકીને તોડફોડ કરી ડ્રાઈવરને માર મારીને મોબાઈલ ફોન લુંટી લીધા હતા. હાલમાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરીને આ ગુનામાં અન્ય કેટલા આરોપીઓ સામેલ હતા, તે અંગે વધુ પૂછપરછ શરૂ કરી છે. માધુપુરા પોલીસે આ અંગે 14 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં નામજોગ ફરિયાદ દાખલ કરી છે. જો કે આરોપીઓ આ સિવાય અન્ય કોઈ ગુનામાં સામેલ છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.