એક્ટિવાની ડેકી તોડી ચોરી કરતા આરોપી તો ઘણા પકડાયા હશે. પરંતુ એક આરોપી એવો ઝડપાયો છે. જે ન માત્ર ચોરી કરતો પરંતુ એટીએમનો પીન નંબર પણ જાતે બનાવી લેતો અને એટીએમમાંથી રુપિયા પણ ઉપાડી લે છે. નિકોલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે, જે આરોપી અગાઉ 8 જેટલા ગુનામાં ઝડપાયેલો છે. પરંતુ તેની મોડસ ઓપરેન્ડી જાણી પોલીસ પણ ચોંકી ગઈ હતી. ત્યારે કોણ છે આ આરોપી અને કેવી છે તેની મોડસ ઓપરેન્ડી જોઈએ આ અહેવાલમાં.
આરોપી બે ગુનામાં હતો ફરાર
નિકોલ પોલીસની કસ્ટડીમાં રહેલા આ આરોપીનું નામ મોહમદ નૌફીલ મુંડવાવાલા છે. જે મુળ જમાલપુરનો રહેવાસી છે. પરંતુ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ચોરીને અંજામ આપે છે. નૌફીલ પહેલા એક્ટિવાની ડેકી તોડી તેમાંથી પર્સ અને રોકડ રકમની ચોરી કરે છે. જે બાદ પર્સમાં રહેલા આધાર કાર્ડ, એક્ટિવાનો નંબર અને જન્મતારીખ વગેરેના આંકડા જાણી ચોરી કરેલા એટીએમ કાર્ડનો પીન નંબર બનાવી લેતો, જે નંબરના આધારે એટીએમમાં જઈ રુપિયા ઉપાડી લેતો હતો અને આવા બે ગુનામાં તે ફરાર હોવાથી પોલીસે તેની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીના તમામ ગુનાની માહિતી મેળવી વધુ તપાસ શરુ કરી
આરોપી નૌફિલની પુછપરછ કરતા સામે આવ્યું કે તે અગાઉ માત્ર ટુ વ્હિલરની ડેકી તોડી ચોરી કરતો હતો. જોકે એટીએમનો પીન જન્મતારીખ કે પછી વાહન નંબર હોવાનું ધ્યાને આવતા તે એટીએમમાંથી રુપિયા પણ ઉપાડવા લાગ્યો હતો, જેથી એક જ ચોરીમાં તે વધુ રુપિયા મેળવતો હતો. આરોપી પાસેથી પોલીસે 58,000નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. આ પહેલા આરોપીએ 8 જેટલા ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે. તેથી પોલીસે આરોપીના તમામ ગુનાની માહિતી મેળવી વધુ તપાસ શરુ કરી છે. ઝડપાયેલા આરોપીની મોડસ ઓપરેન્ડી સાંભળી પોલીસને પણ પરસેવો છુટ્યો હતો. કારણ કે મોટાભાગના પોલીસ કર્મીના એટીએમના પીન નંબર પણ આવા જ હતા. જેથી જન્મતારીખ કે વાહનનો નંબર પીન નંબર તરીકે રાખતા લોકોએ ચેતી જવાની જરુર છે.