અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપી તથ્ય પટેલે હાઈકોર્ટમાં તેના હંગામી જામીન માટે અરજી કરી હતી. તેની માતાનું ઓપરેશન કરાવવાનું હોવાથી મેડિકલ ગ્રાઉન્ડ પર તેણે જામીન માંગ્યા હતાં. હાઈકોર્ટે તેને રાહત આપતાં ચાર દિવસના હંગામી જામીન આપ્યા છે. જો માતાનું ઓપરેશન ના થાય તો તેણે સરેન્ડર થવુ પડશે. આરોપી તથ્ય પટેલ 26 મેના રોજ જામીન પર છુટશે.
29 મેના રોજ રાત્રે 09 વાગ્યે સરેન્ડર થવા હુકમ
હાઈકોર્ટમાં તથ્ય પટેલના જામીન અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં તેની જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી. હાઈકોર્ટે 26 મેના રોજ સવારે 6 વાગ્યે છોડીને 29 મેના રોજ રાત્રે 09 વાગ્યે સરેન્ડર થવા હુકમ કર્યો છે. તથ્યને મળેલા જામીનના સમયગાળા દરમિયાન ત્રણ પોલીસકર્મીઓ તેની સાથે બંદોબસ્તમાં રહેશે. જો 26મીએ તેની માતાનું ઓપરેશન ના થાય તો તાત્કાલિક સરેન્ડર થવા કોર્ટે હુકમ કર્યો છે. અગાઉ હાઈકોર્ટે તથ્ય પટેલને સાત દિવસના હંગામી જામીન આપ્યા હતા.
સરકારી વકીલે કોર્ટમા તથ્યના જામીનનો વિરોધ કર્યો
સરકારી વકીલે કોર્ટમા તથ્યના જામીનનો વિરોધ કર્યો હતો. વકીલે કહ્યું હતું કે, તેના માતા પિતાએ જ ઓપરેશન માટે 26મેની તારીખ ડોક્ટર પાસે માગી હતી. આ ઓપરેશનમાં માતાની સાર સંભાળ રાખવા માટે આરોપીની જરૂર નથી. અગાઉ તેને હંગામી જામીન મળ્યા હતાં પણ ઓપરેશન નહીં થતા તેણે પોલીસ સમક્ષ સરેન્ડર નહોતુ કર્યું.
ઈસ્કોન બ્રિજ પર ગંભીર કાર અક્સ્માત સર્જાયો હતો
19 જુલાઈ 2023ના રોજ અમદાવાદના એસજી હાઈવે પાસે આવેલા ઈસ્કોન બ્રિજ પર ગંભીર કાર અક્સ્માત સર્જાયો હતો. આરોપી તથ્ય પટેલે ઓવર સ્પિડીંગ કરીને લક્ઝરી જેગુઆર કારની અડફેટે 9 લોકોને મારી નાખ્યા હતા. જે મામલે પોલીસે આરોપી તથ્ય પટેલ અને તેના પિતાની ધરપકડ કરી હતી. જે મામલે આરોપીને જેલમાં નાખી દેવામાં આવ્યો હતો.