અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશન બાદ હવે AMC નવીનીકરણની કામગીરી કરવાનું આયોજન કરશે. રૂપિયા 36 કરોડ 38 લાખના ખર્ચે ડેવલપમેન્ટની કામગીરી આ વિસ્તારમાં કરવામાં આવશે. જેમાં BRTS ટ્રેક, વોક વે , જંગલ જીમ ઈવેન્ટ શેડ, બ્રેડ રૂમ, ગ્રુમ રૂમ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. આ સિવાય ચંડોળા તળાવ પર ડ્રેનેજ લાઈન પમ્પિંગ સ્ટેશને ખંભાતી કૂવા બનાવવામાં આવશે. ત્યારે આગામી સમયમાં રહેણાંક મકાનો પણ બનાવવાનું આયોજન મનપા કરશે.
ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન કરાયું
ઉલ્લેખનીય છે કે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે આજે સવારથી જ મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ચંડોળાના સરોજ નગરમાં ક્રાઇમ બ્રાન્ચે ફૂટ પેટ્રોલિંગ કર્યું છે. પોલીસની એક ટીમે મકાનો ખાલી કરાવ્યા છે. અમદાવાદનો ચંડોળા તળાવ મીની બાંગ્લાદેશ વિસ્તાર તરીકે ઓળખાય છે. પોલીસની હાજરીમાં ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ચંડોળામાં દબાણની કામગીરી બે દિવસ સુધી ચાલશે
તંત્ર દ્વારા દબાણો તોડવાની કામગીરીનું રેકોર્ડિંગ કરવાની પણ સૂચના પણ આપવામાં આવ્યો છે. ડ્રોન કેમેરાથી સમગ્ર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 10 જેટલા ડ્રોન કેમેરાથી સમગ્ર કામગીરી પર વોચ રાખવામાં આવી છે. જેસીપી ક્રાઈમની અધ્યક્ષતામાં પોલીસની 50 ટીમો તૈયાર કરવામાં આવી છે. આ ટીમો અલગ અલગ વિસ્તારમાં જઈને કામગીરી કરશે. ચંડોળામાં દબાણની કામગીરી બે દિવસ સુધી ચાલશે.