જમ્મુ કાશ્મીરમા થયેલા આતંકી હુમલા બાદ અમદાવાદના ચંડોળા વિસ્તારમાંથી ગેરકાયદે બાંધકામો પર આજે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. આ કામગીરીને લઈને 18 અરજદારો દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની આજે અર્જન્ટ સુનાવણી યોજાઈ હતી. આ સુનાવણીમાં અરજદારોએ રજૂઆત કરી હતી કે, ફોરેનર્સ એક્ટ હઠળ પગલા ભર્યા વિના કાર્યવાહી કરવી અનુચિત છે. રાજય સરકારે આ અરજીનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ હાઈકોર્ટે અરજદારોની સ્ટે માટેની અરજી પર સ્ટે નહીં આપી અરજીને ફગાવી દીધી હતી. જેથી હવે ચંડોળામાં ડિમોલિશનની કામગીરી યથાવત રહેશે.


ફોરેનર્સ એક્ટ હઠળ પગલા ભર્યા વિના કાર્યવાહી કરવી અનુચિતઃ અરજદાર

ચંડોળા તળાવની ડિમોલિશનની કામગીરી સામે 18 અરજદારો દ્વારા અર્જન્ટ પીટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં અરજદારોએ રજૂઆત કરી હતી કે, કુદરતી ન્યાયના સિદ્ધાંતનુ પાલન થાય અને ફોરેનર્સ એક્ટ હઠળ પગલા ભર્યા વિના કાર્યવાહી કરવી અનુચિત છે. તે ઉપરાંત 15 દિવસની નોટીસ આપવામાં આવે અને ડિમોલેશન પર રોક લગાવવામાં આવે એવી રજૂઆત કરાઈ હતી.અરજદારો દ્વારા વિદેશી નાગરિક હોય તેવુ માની પણ લેવામાં આવે તો પણ અર્થપૂર્ણ જીવન જીવવાના અધિકાર વિદેશી નાગરીકને પણ હોવાની રજુઆત કરાઈ હતી. 

કથાકથિત અરજદારો જો અસ્તિત્વમાં હોય તો પણ બાંગ્લાદેશી ઘૂસણખોર

બીજી તરફ રાજ્ય સરકારે ડિમોલિશન પર સ્ટે આપવાની અરજીનો વિરોધ કરાયો હતો. સરકારે રજૂ કરેલા સોગંદનામામાં ઉલ્લેખ કરાયો હતો કે, કથિત અરજદારો અસ્તિત્વમાં જ નથી. કથાકથિત અરજદારો જો અસ્તિત્વમાં હોય તો પણ બાંગ્લાદેશી ઘૂસણખોર છે. ચંડોળા તળાવ એ વોટર બોડી હોવાથી કોઈપણ સક્ષમ સત્તાવાળાઓએ બાંધકામની પરવાનગી આપી નથી.ગેરકાયદેસર નિવાસ કરનારા મોટા ભાગના લોકો બાંગ્લાદેશી ઘુસણખોરો હોવાની રજૂઆત સરકાર દ્વારા કરાઈ હતી. પહેલગામ હુમલા પછી દેશના અને નાગરિકોના હિતમાં લેવાતા પગલા યોગ્ય છે. રાષ્ટ્રહિત સર્વોપરી છે, કુદરતી ન્યાય સિદ્ધાંત રાષ્ટહિતથી ઉપર જોઈ શકાય નહીં.અલકાયદા સાથે સંબંધ ધરાવતા આતંકીઓના ચંડોળામાં કનેક્શન ખુલ્યા હોવાનો ઘટસ્ફોટ સરકારે સોગંદનામામાં કર્યો હતો.

  • Follow us on: