અમદાવાદના ચંડોળામાં મેગા ડિમોલિશન હાથ ધરાયું છે. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ અમદાવાદ શહેરમાંથી ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા માટે કવાયત તેજ કરાઈ હતી. આજે સવારથી જ ચંડોળામાં પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સવારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર ચંડોળા પહોંચ્યા હતાં અને તેમણે સમગ્ર કાર્યવાહીની માહિતી મેળવી હતી. ત્યાર બાદ રાજ્યના પોલીસવડા વિકાસ સહાય પણ ચંડોળા પહોંચ્યા છે અને તેમણે પણ અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવી તેની માહિતી મેળવી હતી. તે ઉપરાંત થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બીજી તરફ હર્ષ સંઘવીએ ડિમોલિશન મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.


ઘૂસણખોરોને સુરક્ષિત રાખવાનો એજન્ડા નિષ્ફળ ગયો

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ચંડોળામાં ડિમોલિશનની કામગીરી અટકાવવા કોંગ્રેસના પ્રયાસનો આક્ષેપ કર્યો છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, ઘૂસણખોરોને સુરક્ષિત રાખવાનો એજન્ડા નિષ્ફળ ગયો છે. કોંગ્રેસની સહાનુભૂતિ ધરાવતી અરજી હાઈકોર્ટે ફગાવી છે. તેમણે લખ્યું હતું કે, ન્યાય થયો! ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ પર સરકારની કાર્યવાહી સામે કોંગ્રેસના સહાનુભૂતિ ધરાવતા લોકોની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી. બાંગ્લાદેશીઓ/પાકિસ્તાનીઓને સુરક્ષિત રાખવાનો તેમનો એજન્ડા નિષ્ફળ ગયો છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ ચંડોળા પહોંચ્યા

અમદાવાદ મહાનગર પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું હતું કે, હાલ મોટા ભાગના ગેરકાયદે બાંધકામો હટાવ્યા છે. આ કામગીરીમાં પહેલો ભાગ તોડી પડાયો છે. હજુ અન્ય મકાનો તોડવાના બાકી છે. બીજી તરફ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ ચંડોળા પહોંચ્યા હતાં. તેમણે ડિમોલિશન સ્થળ પર જઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. 

  • Follow us on: