અમદાવાદમાં ચંડોળા તળાવની ડિમોલિશન કામગીરી આજે બીજા દિવસે પણ યથાવત છે. બે હજારથી વધુ પોલીસ કર્મીઓની હાજરીમાં તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો તોડવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન જિલ્લા કલેક્ટરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગર પાલિકાને 2015માં ચંડોળામાં બે લાખ ચો.મી જગ્યા ફાળવી હતી. તે સમયે શું સ્થિતિ હતી તે મારા ધ્યાને નથી.


2015માં અમદાવાદ મહાનગર પાલિકાને જગ્યા ફાળવાઈ હતી

અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજિત કુમારે ચંડોળા ડિમોલિશન અંગે કહ્યું હતું કે, 2015માં અમદાવાદ મહાનગર પાલિકાને ચંડોળામાં બે લાખ ચો.મી જગ્યા ફાળવવામાં આવી હતી. આ જગ્યા ફાળવવા પાછળનો મુળ હેતુ આ તળાવનો કાંકરિયાની જેમ વિકાસ કરવાનો હતો. મહેસુલ વિભાગની મંજૂરી મળી હતી તે સ્થિતિ માં AMCને હુકમ કરવા માટે આદેશ અપાયો હતો અને કલેકટર દ્વારા આદેશ કરાયો હતો. તે વખતે શું સ્થિતિ હતી તે મારા ધ્યાને નથી.

ગેરકાયદે ઉભી થયેલી માનવ વસાહતને તોડવામાં આવી રહી છે

હાલમાં ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદે ઉભી થયેલી માનવ વસાહતને તોડવામાં આવી રહી છે. ડિમોલિશનની કામગીરીનો આજે બીજો દિવસ છે. જેમાં અનેક ઝૂંપડા અને પાકા મકાનો તોડી પાડવામાં આવ્યાં છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, જિલ્લા કલેક્ટર દ્વારા 2015માં મહાનગર પાલિકાને વિકાસના હેતુસર જગ્યા ફાળવવામાં આવી હતી. તો મહાનગર પાલિકાએ ત્યાં કોઈ કામગીરી કેમ ના કરી. મહેસૂલ વિભાગે પણ જગ્યાની મંજૂરી આપી દીધી હતી. આ તળાવને કાંકરિયાની જેમ વિકસિત કરવા માટે જગ્યા ફાળવાઈ હતી. ડિમોલિશનની કામગીરી થયા બાદ મોટી બાબતો બહાર આવી રહી છે.


  • Follow us on: