અમદાવાદના સરખેજમાંથી સગીરાનું અપહરણ કરી તેના લગ્ન કરાવી દીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પાલક પિતાના પાડોશમાં જ રહેતા દંપતીએ રાજસ્થાનના યુવક સાથે લગ્ન કરાવ્યા હતા. પાલક પિતા ચારધામની યાત્રા કરી પરત આવતા મામલો સામે આવ્યો છે. જે અંગે પોલીસની મદદ લઈ કાર્યવાહી કરતા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય 4 ફરાર આરોપીની શોધખોળ શરુ કરવામાં આવી છે.


રાજસ્થાનમાં રહેતા પરિચિત યુવક સાથે લગ્ન કરાવી દીધા

પોલીસ ગિરફ્તમાં આવેલા આરોપીઓના નામ ભરત ઠાકોર, ટીના ઠાકોર અને ભારતી ઠાકોર છે. ભરતે પોતાના ભાઈ વનરાજ સાથે મળીને પડોશમાં રહેતી એક સગીરાનું અપહરણ કરી રાજસ્થાનમાં રહેતા પરિચિત યુવક વીરસિંહ રાઠોડ સાથે લગ્ન કરાવી દીધા હતા. જોકે હાલ આરોપ લાગી રહ્યો છે કે આરોપીઓએ 5 લાખ રૂપિયા લઈને સગીરાના લગ્ન કરાવ્યા હતા. જે મામલે પોલીસે તપાસ કરી બે મહિલા સહિત 3ની ધરપકડ કરી છે તો બીજી તરફ વનરાજ, મેઘરાજ, હિના અને લગ્ન કરનાર વિરસિંહ સહિત 4 આરોપી હાલ ફરાર છે અને તેમની તપાસ કરવામાં આવી રહી છે.

પાલક માતા પિતા ચારધામની યાત્રાએ જતા રહ્યા હતા

સરખેજમાં નોંધાયેલી ફરિયાદ પર નજર કરીએ તો ફરિયાદી મહિલાના ઘરે આશરે 15 વર્ષ પહેલા એક શખ્સ તેની એકાદ વર્ષની નાની બાળકી લઈને આવ્યો હતો. આ શખ્સે તેની પત્ની ડિલિવરી સમયે મૃત્યુ પામી હોવાનું કહીને કામની માગણી કરી હતી. પરંતુ એક દિવસ તે શખ્સ તેની પુત્રીને આ મહિલાના ઘરમાં મૂકીને જતો રહ્યો હતો. મહિલાએ પણ આ બાળકીની માવજત કરીને તેનું પાલન કરીને મોટી કરી હતી. તેવામાં ગત 29 એપ્રિલે સગીરા તેની પાલક માતાને બહાર જઈને આવું છું તેમ કહીને નીકળી ગઈ હતી. પરંતુ લાંબા સમય સુધી તે પરત ન આવતા તેના પાલક માતા પિતાએ તેની શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાંય તે મળી આવી ન હતી. બીજીબાજુ આ પાલક માતા પિતા ચારધામની યાત્રાએ જતા રહ્યા હતા. જ્યાંથી પરત આવ્યા ત્યારે પાડોશમાં રહેતા વનરાજ અને તેની પત્ની ટીના ગાયબ હતા. તેમને ફોન કરતા દંપતીએ યોગ્ય જવાબ આપ્યો નહોતો. જેથી આ મહિલાને શંકા જતા તપાસ કરી તો વનરાજ અને ટીના સગીરાને લઈને મહેસાણા તરફ ગયા હતા અને રાજસ્થાનના કોઈ છોકરા સાથે લગ્ન કરાવી દીધા હતા.

સુંધામાતાના મંદિરમાં ફૂલહાર કરી લગ્ન કરાવ્યા

નોંધનીય છે કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી ટીના અને સગીરા લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં હતા. તે લોકોએ સગીરાને રાજસ્થાન ખાતે રહેતા છોકરા સાથે સગાઈ કરાવી આપી હતી. આટલું જ નહીં બાદમાં સુંધામાતાના મંદિરમાં ફૂલહાર કરી લગ્ન કરાવ્યા હતા. લગ્ન કરાવી આપવા બદલ આરોપીઓએ બેથી ચાર લાખ લીધા હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે આ કેસમાં ફરાર આરોપીની ધરપકડ બાદ ઘણી નવી હકીકત સામે આવી શકે છે. તેના પર પોલીસની તપાસમાં ઘણા ખુલાસા થશે. 

  • Follow us on: