દેશભરના રાજ્યોના લોક કલાકારોએ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં પોતાના પારંપારિક લોકનૃત્યો અને લોકકલાની અમદાવાદમાં પ્રસ્તુતિ કરીને વડાપ્રધાન મોદીની “એક ભારત,શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્નિવલના સમાપન અવસરે ઉપસ્થિત રહીને વિવિધ કલા પ્રસ્તુતિઓ માણી હતી. તેમણે આવી પરંપરાગત લોકકલાને નવી પેઢી સુધી પહોંચાડવા આધુનિક આયામો સાથેના આ ઇન્ડિયન ફોક કાર્નિવલને વડાપ્રધાન મોદીએ આપેલા “વિરાસત ભી,વિકાસ ભી” ના ધ્યેયને પાર પાડનારું પ્રસંશનીય આયોજન ગણાવ્યું હતું.


દેશભરના 1 હજારથી વધુ લોક કલાકારો સહભાગી થયા

લોકકલા ફાઉન્ડેશન દ્વારા રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સહયોગથી અમદાવાદમાં યોજાયેલા ત્રિ - દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલમાં દેશભરના 1 હજારથી વધુ લોક કલાકારો સહભાગી થયા હતા.આપણી ભવ્ય અને ભાતીગળ ઇતિહાસ ધરાવતી લોકકલાને મલ્ટી મીડિયાના મેગા શો દ્વારા નવી જનરેશન સુધી પહોંચાડવા માટે આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.મુખ્યમંત્રીએ આ માટે લોકકલા ફાઉન્ડેશનના સ્થાપક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અને તેમની ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા.

દેશ વિદેશમાં લોકકલા મંચન માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે

આ કાર્નિવલમાં પહેલા દિવસે ગુજરાતના લોકનૃત્યો, બીજા દિવસે આદિવાસી લોકનૃત્યો અને ત્રીજા દિવસે દેશના જુદાં જુદાં રાજ્યોના પરંપરાગત લોકનૃત્યોની કલા પ્રસ્તુતિ લોકોએ મનભરીને માણી હતી.કાર્નિવલના દિવસો દરમિયાન બે વર્કશોપ, બે આર્ટ ગેલેરી, 10થી વધુ એવોર્ડ્સ અને 1 હજારથી વધુ કલાકારો દ્વારા વિવિધ પ્રદેશોના 50થી વધુ લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા.પાંચ હજારથી પણ વધુ લોક કલાકારો સાથે જોડાણ ધરાવતું લોકકલા ફાઉન્ડેશન આવા તળના કલાકારોની ટોચની કળા પીરસવાનું વિશાળ મંચ છે અને દેશ વિદેશમાં લોકકલા મંચન માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.

  • Follow us on: