અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સંચાલિત એએમટીએસ બસોની રોજે રોજ તંત્રને ફરિયાદો મળતી હોય છે.પરંતુ તેનું કોઈ નિરાકરણ આવતુ નથી. હવે મુસાફરો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ આવે તે માટે AMC દ્વારા વોટ્સએપ સર્વિસ ચાલુ કરવામાં આવી છે. કોઈપણ મુસાફર વોટ્સએપ પર ફોટો અને વીડિયો મોકલીને એએમટીએસને લગતી ફરિયાદો કરી શકશે.


AMTS બોર્ડે વોટ્સએપ સર્વિસ શરૂ કરી

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સંચાલિત એએમટીએસની બસો અંગે મુસાફરો રોજે રોજ કોઈના કોઈ મુદ્દે ફરિયાદો કરતાં હોય છે. ડ્રાઈવર અને કંડક્ટરની દાદાગીરી હોય કે, બસ દ્વારા કરાયેલો અકસ્માત હોય, બસના ટાઈમિંગ અંગેની ફરિયાદો હોય આવી અનેક ફરિયાદો એએમટીએસના તંત્રને મળતી હોય છે.મુસાફરો દ્વારા કરવામાં આવતી ફરિયાદોનો તાત્કાલિક નિકાલ નહીં આવવાથી તંત્ર પ્રત્યેનો વિશ્વાસ ઘટવા લાગ્યો હતો. જેથી તંત્ર દ્વારા હવે આ માટે એક સુવિધા શરૂ કરી છે.

ટીમને સ્થળ પર મોકલી તપાસ કરાશે

અમદાવાદમાં એએમટીએસ બોર્ડ દ્વારા એક વોટ્સએપ સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેમાં બે નંબરો જાહેર કરવામાં આવ્યાં છે. આ નંબરો પર મુસાફરો ફરિયાદ કરી શકશે. એએમટીએસને લગતી કોઈ પણ ફરિયાદ હોય તેનો ફોટો કે વીડિયો વોટ્સએપ દ્વારા મોકલીને ફરિયાદ કરી શકશે. અગાઉ કોઈપણ વ્યક્તિને ફરિયાદ હોય તો પહેલા કંટ્રોલમાં કોલ કરવો પડતો અને બાદમાં બીજા દિવસે જે તે બસમાં રૂટનો સમય હોય એ ટાઇમ પર સ્થળ પર જઈ તપાસ કરવી પડતી હતી. પરંતુ હવે વોટ્સ એપમાં કોઈ ફોટો કે વીડિયો મોકલશે તો ત્વરિત તેને લઈને કાર્યવાહી કરવામાં આવશે.સેન્ટ્રલ સ્ટેશનથી નજીકનો ડેપો કે ટર્મિનસ હશે ત્યાં જાણ કરી ટીમ સ્થળ પર મોકલી તપાસ કરવામાં આવશે. 

  • Follow us on: