અમદાવાદના ચંડોળામાં વહેલી સવારથી જ ગેરકાયદે દબાણો તોડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.આ દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.મસ્જિદ તોડવા મુદ્દે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું છે. સ્થાનિકોએ ઉગ્ર બોલાચાલી કરી હતી. સ્થાનિકોએ કહ્યું હતું કે, અત્યાર સુધી દબાણો ના તોડ્યા તો હવે કેમ તોડો છો. પોલીસને અહીંયાથી જતા રહો નહીં તો જોવા જેવી થશે તેવી ધમકી આપી હતી.પોલીસને ધક્કા મારીને ભગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મસ્જિદનું ડિમોલિશન અટકાવાયું હતું.


મસ્જિદનું ડિમોલિશન કરાશે

આ વિવાદ થયા બાદ અમદાવાદ પોલીસ કમિશનર ચંડોળા પહોંચ્યા હતાં અને જેસીપી શરદ સિંઘલ સાથે સમગ્ર વિવાદની માહિતી મેળવી હતી. જેસીપી શરદ સિંઘલ સાથે બેઠક કરીને તેમની પાસેથી માહિતી મેળવી હતી. તેમણ ચંડોળામા ડિમોલિશનની કામગીરીનું નીરિક્ષણ કર્યું હતું. પોલીસના ચૂસ્ત કાફલા સાથે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ જે મસ્જિદનું ડિમોલિશન અટક્યું હતું તેને વધુ પોલીસ બંદોબસ્ત સાથે વિવાદના થાય તે રીતે તોડી પાડવામાં આવશે.

બે ત્રણ દિવસમાં કામગીરી પૂર્ણ કરી દેવાશે

ચંડોળામાં અત્યાર સુધીમાં ચાર કલાકમાં 40 ટકાથી વધુ દબાણ દૂર કરાયું છે. અધિકારી સુત્રો મુજબ એક હજાર જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યાં છે. ગેરકાયદે ઝૂંપડા દૂર કરી દેવાતા તળાવ સાફ જોવા મળ્યું છે. ડિમોલિશનની સાથે સાથે કાટમાળ હટાવવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. તાત્કાલિક ધોરણે કાટમાળ હટાવાઈ રહ્યો છે. આ અંગે પોલીસ કમિશ્નરે કહ્યું હતું કે, ડિમોલિશન તો થશે જ મસ્જિદ હોય તો પણ તૂટશે અને બે ત્રણ દિવસમાં કામગીરી પૂર્ણ કરી દેવાશે.


  • Follow us on: