ઉનાળાની ગરમીથી બચવા માણસ એસી, એર કુલર, ફેન જેવી વસ્તુઓ વાપરીને ઠંડક અનુભવે છે. પરંતુ પ્રાણીઓ પક્ષીઓ તથા અન્ય જીવો આ કાળઝાળ ગરમીથી બચવા પોતાનું રક્ષણ કેવી રીતે કરતા હશે? વિચારો. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ઠંડક મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
34 જેટલા કુલર મુકવામાં આવ્યા
અમદાવાદમાં તાપમાનનો પારો 40 સુધી પહોંચી ગયો છે. જેથી પ્રાણી સંગ્રહાલયમાં રહેતા 2,000 જેટલા પશુ-પક્ષીઓ માટે ગરમીમાં દિવસ કાઢવો મુશ્કેલ બની રહ્યો છે. તેને ધ્યાનમાં રાખી ઝૂ ઓથોરિટી દ્વારા હાલમાં વિવિધ પ્રયાસો હાથ ધરીને પ્રાણી સંગ્રહાલયમાં તાપમાન ઘટાડવાના ભરચક પ્રયાસો હાથ ધરાયા છે. જેના માટે કુલ 34 જેટલા કુલર મુકવામાં આવ્યા છે. દરેક જગ્યાએ ગ્રીન નેટ લગાવીને તેમજ સતત પાણીનો છંટકાવ કરીને પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીમાં રાહત આપવામાં આવી રહી છે. પ્રાણીઓને પીવાના પાણીમાં ORS મિલાવવામાં આવે છે, જેથી ગરમીથી રાહત મળી શકે.
પ્રાણીઓના પાંજરા પાસે ગ્રીન નેટ લગાવવામાં આવી
એપ્રિલ માસ પહેલા હાલમાં ગરમીનું તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયું છે, તેવામાં વાઘ, સિંહ, હરણ, દીપડા, હિપોપોટેમસ, હાથી, રીંછ સહિતના પ્રાણીઓ અને અનેક જાતના પક્ષીઓને ગરમીમાં રાહત આપવામાં 34 કુલર મુકી દેવામાં આવ્યા છે અને તમામ પાણીના હોજ ભરી દેવામાં આવ્યા છે. પ્રાણીઓના પાંજરા પાસે ગ્રીન નેટ લગાવવામાં આવી છે. જેમાં સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે 4થી 5 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થાય છે. વાઘના પાંજરા અને સિંહના પાંજરા પાસે કુલર મુકાયું છે, તેની ઠંડી હવાથી તેને રાહત મળી રહી છે.
પ્રાણી સંગ્રહાલયમાં 24 કલાક ડોક્ટરોની ટીમ તૈનાત
ગરમીમાં તમામ પશુ-પક્ષીઓનો ખોરાક ઘટી જાય છે. ખાસ કરીને ઉંમરલાયક પ્રાણીઓને ગરમીની વધુ અસર થાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડવી, 'સન સ્ટ્રોક ' લુના કારણે ચક્કર આવીને પડી જવું, ડિહાઈડ્રેશન થઈ જવું વગેરે જેવી સમસ્યાઓ સામે આવતી હોય છે. જે માટે પ્રાણી સંગ્રહાલયમાં 24 કલાક માટે ડૉક્ટરોની ટીમને તૈનાત રખાય છે. જે ગરમીમાં પશુ-પક્ષીઓની સ્થિતિ પર સતત નજર રાખે છે. 44થી 45 ડિગ્રી સુધી તાપમાન થશે, ત્યારે પીવાના પાણીમાં એન્ટી સ્ટ્રોક મેડિસીન આપવામાં આવશે. જેના કારણે લુ લાગવાની સમસ્યા ઓછી કરી શકાય.