અમદાવાદ શહેરમાં વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ જે આતંક મચાવ્યો હતો, ત્યરાબાદ સમગ્ર પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને આવા તત્વો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં તેના આદેશ પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપ્યા છે. ત્યારે હજુ પણ શહેરમાં નબીરાઓને જાણે પોલીસનો કોઈ ડર ના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.


પોલીસે કાર હટાવવાનું કહેતા કરી દાદાગીરી

શહેરના દિલ્હી દરવાજા અને લાલા દરવાજા વિસ્તારમાં બેફામ થાર ગાડી ચાલકે રસ્તામાં લોકોને અને વાહનોને અડફેટે લીધા છે. બપોરે 1 વાગ્યાની આસપાસ દિલ્લી દરવાજા અને લાલ દરવાજા વિસ્તારમાં બેફામ કાર ડ્રાઈવ કરી છે. થાર ગાડી ચાલકની દાદાગીરી પણ વીડિયોમાં જોઈ શકાય છે. આ નબીરા ગાડી ચાલકે પોલીસ ઉપર પણ ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો છે. પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હોવા છતાં કાર ચાલક રોકાયો નહીં અને ફરાર થઈ ગયો છે. GJ-27-DM-9988 નંબરની લાલ રંગની થાર ગાડી ચાલકની અવળચંડાઈ વીડિયોમાં જોઈ શકાય છે.

સોશિયલ મીડિયા પર લાઈક અને કોમેન્ટ મેળવવાની ઘેલછામાં પોતાના જીવને જોખમમાં મુકે છે

પોલીસ દ્વારા કડક એક્શન લેવામાં આવતા હોવા છતાં પણ અમદાવાદમાં હજુ અસામાજિક તત્વો બેફામ છે. સોશિયલ મીડિયા પર લાઈક અને કોમેન્ટ મેળવવાની ઘેલછામાં પોતાના જીવને જોખમમાં મુકીને યુવાનો સ્ટંટના વીડિયો બનાવે છે અને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકોના જીવ જોખમમાં મુકી રિક્ષામાં સ્ટંટ કર્યો છે. વગર ડ્રાઈવરે રીક્ષા ચલાવી અને જાહેર રોડ પર જોખમી સ્ટંટના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. મેલડ઼ીની સરકાર નામના એકાઉન્ટમાં વીડિયો અપલોડ કર્યો છે. રસ્તા પર બેફામ રીતે શખ્સો રિક્ષા હંકારી રહ્યા હતા અને લોકોના જીવને જોખમમાં મુકતા હતા. આ વીડિયો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારનો હોવાની આશંકા છે.


  • Follow us on: