દરિયા કિનારે કચરો વીણવા વાળા વ્યક્તિને કિંમતી વસ્તુ મળતાં લોટરી લાગવાની જગ્યાએ જેલમાં જવુ પડ્યું છે. કિંમતી વસ્તુ મળી અને તેને વેચવા માટે જતા જ પોલીસના હાથે વ્યક્તિ ઝડપાઈ ગયો છે અને હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. શું હતી આ કિંમતી વસ્તુ, જોઈએ આ રિપોર્ટમાં.


સ્પર્મ વ્હેલ માછલીની વોમિટ વેચવાનો પર્દાફાશ

પોલીસે ઝડપેલા આ વ્યક્તિનું નામ મોહમ્મદ હનીફ છે, જે દાંડી દરિયાકિનારે કચરો વીણવાનું કામ કરે છે, જેને થોડા સમય પહેલા દરિયા કિનારે એક અજીબોગરીબ ચીજવસ્તુ જોવા મળી હતી. આ વસ્તુને તેણે પોતાની પાસે રાખી લીધી અને આ શું છે તે જાણવા પ્રયત્ન કર્યો, જેમાં તેને જાણવા મળ્યું કે આ તો એમ્બરગ્રીસ એટલે કે સ્પર્મ વ્હેલની ઉલ્ટી છે અને જેની આંતરાષ્ટ્રીય માર્કેટમાં ખૂબ ઊંચી કિંમત મળતી હોય છે. જેને લઈને મોહમ્મદ હનીફે આ વ્હેલની ઉલ્ટી વેચવા માટે અલગ અલગ વ્યક્તિઓના સંપર્ક કર્યા હતા, જેના અંતે આ ઉલ્ટી દમણના સહાદતઅલીને 60,000માં વેચી દીધી. ત્યારબાદ એમ્બરગ્રીસને સહાદત અલીએ સુરતના ઉસ્માન શેખને 1 લાખમાં આપ્યું હતું અને એમ્બરગ્રીસ વેચાયા બાદ વધુ કમિશન આપશે તેવું બંને વચ્ચે નક્કી થયું હતું અને ઉસ્માને લીધેલા એમ્બર ગ્રીસને વેચવા માટે આમિર શેખ અમદાવાદમાં ફરી રહ્યો હતો, આ દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચે આમિરને ઝડપી લેતા સ્પર્મ વ્હેલ માછલીની વોમિટ (એમ્બરગ્રીસ) વેચવાનો પર્દાફાશ થયો છે.

આમિર શેખના મોબાઈલમાં રહેલા એમ્બરગ્રીસના વીડિયો પરથી આ ગુનાનો ભેદ ઉકેલાયો છે, જો કે જે એમ્બરગ્રીસ કબજે કરાયું છે તે ખરેખર એમ્બરગ્રીસ છે કે કેમ તે માટે ક્રાઈમબ્રાન્ચે આ કેસમાં જાણવા જોગ ફરિયાદ નોંધીને એમ્બરગ્રીસ ચકાસણી માટે FSLમાં મોકલ્યું છે. સ્પર્મ વ્હેલ માછલી વોમિટનો દુલર્ભ પદાર્થ જે ઝડપાયો છે, તે 2.904 કિલોનો છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2.90 કરોડ થાય છે.

યુરોપના દેશોમાં આ એમ્બરગ્રીસની ડિમાન્ડ ખૂબ વધારે

ભારતમાં વ્હેલ માછલીઓ વન્યજીવન સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ સુરક્ષિત પ્રજાતિ છે, જેના કારણે એમ્બરગ્રીસનો વેપાર, વેચાણ, ખરીદી અને સંગ્રહ ગેરકાયદેસર છે. વિશ્વભરમાં આ પદાર્થના વેચાણ માટે મોટું ગેરકાયદેસર નેટવર્ક ચાલે છે. જેના માટે માછીમારો આવી માછલીઓનો શિકાર પણ કરતા હોય છે, જેને અટકાવવા માટે સ્પર્મ વ્હેલ માછલીઓને વન્યજીવન સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ સુરક્ષિત પ્રજાતિમાં સામેલ કરવામાં આવી છે. ત્યારે એમ્બરગ્રીસ એક દુર્લભ કુદરતી પદાર્થ છે, જે અમુક વ્હેલ માછલીઓના પેટમાં આ પદાર્થ રચાય છે અને તે ઉત્સર્જન થવાથી સમુદ્રમાં વરસો સુધી તરતો રહે છે. સમય જતા તે એક ખાસ સુગંધ ધરાવતો મોંઘો પદાર્થ બની જાય છે, જેનો ઉપયોગ મુખ્યત્વે લક્ઝરી પરફ્યુમની ફ્રેગ્રન્સને સ્ટ્રોંગ અને વધુ લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે ઉપયોગમાં લેવાતો હોય છે. યુરોપના દેશોમાં આ એમ્બરગ્રીસની ડિમાન્ડ ખૂબ વધારે હોય છે.

ક્રાઈમબ્રાન્ચે સમગ્ર કેસમાં એમ્બરગ્રીસની ઓળખ માટે વન વિભાગના અધિકારીઓની મદદ લીધી હતી. વન વિભાગના અધિકારીઓએ એમ્બરગ્રીસની પ્રાથમિક ઓળખ કરતા સમગ્ર સબુતને મજબૂત કરવા માટે કેટલાક જથ્થાને FSLમાં મોકલવામાં આવ્યો છે, FSLનો રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલે ગુનો નોંધાઈ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરશે.


  • Follow us on: