અમદાવદામાં એટીએમમાં ખરાબી હોવાનું જણાવી મદદના બહાને છેતરપિંડી કરનાર 2 આરોપીઓની ઈસનપુર પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું છે કે આરોપીના દીકરાના લગ્ન માટે રૂપિયાની જરૂર હોવાથી 80,000 રૂપિયાની છેતરપિંડી કરી હતી. જોકે ગુનામાં ધરપકડ થતાં દીકરાના લગ્ન સમયે પિતાને જેલમાં રહેવું પડે તેવી નોબત સર્જાઈ છે.


પોલીસે 150થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસી બંને આરોપીઓની ધરપકડ કરી

ઈસનપુર પોલીસે બંને આરોપી નાગજીભાઈ રબારી અને શૈલેષભાઈ સલાટની ધરપકડ કરી છે. જે બંને મહેસાણાના રહેવાસી છે અને અમદાવાદમાં આવી છેતરપિંડીને અંજામ આપે છે. આરોપીઓ એટીએમ સેન્ટરમાં પોતાની કરામત બતાવી સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતા અને મદદના બહાને એટીએમ કાર્ડ બદલી પીન નંબર જાણી અલગ અલગ એટીએમમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા. ગુનો નોંધાયાના 10 દિવસના સમયમાં પોલીસે 150થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસી બંને આરોપીઓની ધરપકડ કરી છે. સાથે છેતરપિંડીમાં ગયેલા 80,000 રૂપિયા પણ કબજે કરવામાં આવ્યા છે. આરોપી પાસેથી અલગ અલગ બેન્કના 23 જેટલા એટીએમ કાર્ડ પણ કબજે કરવામાં આવ્યા છે. જેથી અન્ય ભોગ બનનાર લોકોની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

આરોપી વિરૂદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા

નાગજી અને શૈલેષની ધરપકડ કરી તપાસ કરતા હકીકત સામે આવી કે નાગજી મુખ્ય આરોપી છે અને વર્ષ 2014થી 2022 દરમિયાન એટીએમ કાર્ડ બદલી અલગ અલગ જગ્યાએ છેતરપિંડીને અંજામ આપ્યો છે. જેમાં અમદાવાદના શહેરકોટડા, મેઘાણીનગર, વસ્ત્રાપુર, સોલા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા છે તો બીજી તરફ ગાંધીનગરના કલોલ, સેક્ટર 21 અને મહેસાણાના બી ડિવિઝનમાં પણ ગુના નોંધાયા છે. જે બાદ તેની પાસા હેઠળ પણ ધરપકડ કરવામાં આવી હતી. મહત્વનું છે કે અગાઉ કંડકટરની નોકરી કરતા નાગજીને શારીરિક તકલીફ થતાં તે ઝડપથી રૂપિયા કમાવવા ગુનાના રવાડે ચડ્યો હતો. પરંતુ હવે 22 માર્ચ 2025ના રોજ તેના દીકરાના લગ્ન હોવાથી રૂપિયાની જરૂર પડતા ફરી પાછો તે છેતરપિંડીના ગુના કર્યા હોવાની કબુલાત કરી રહ્યો છે.

કેટલા લોકો ભોગ બન્યા? તેની તપાસ શરૂ

આરોપી એ તાજેતરમાં જ 3 જગ્યાએ છેતરપિંડી કરી હોવાથી આરોપી વિરુદ્ધ સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની પણ તજવીજ શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ તેની પાસેથી મળેલા 23 ATM કાર્ડ કોના છે અને તેમાં કેટલા લોકો ભોગ બન્યા છે, તે હકીકત તપાસ્યા બાદ આરોપી વિરુદ્ધ વધુ ગુના પણ દાખલ થઈ શકે છે. એટલે કે જે દીકરાને આ લગ્ન કરાવવા બાપ છેતરપિંડી અને ચોરી કરતો હતો, તે જ દીકરાના લગ્ન સમયે આરોપી જેલમાં રહેવુ પડી શકે છે. 

  • Follow us on: