અમદાવાદ SOGએ નવરંગપુરાની ક્રિસ્ટલ હોટલમાંથી ડ્રગ્સના જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરી છે. SOGએ ઓરિસ્સાના અશોક ઉર્ફે કાજલ બેહરા અને પશ્ચિમ બંગાળના કલેજા ઉર્ફે પાયલ શેખ નામના બે વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે બંને વ્યક્તિઓ પાસેથી 1.39 લાખથી વધુની કિંમતનો 13.980 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પણ મળી આવ્યો છે. એમડી ડ્રગ્સ તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળી પોલીસે 1.55 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
ગ્રિંડર નામની એપ્લિકેશન મારફતે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા
પોલીસે પકડેલા બંને આરોપીઓની પૂછપરછ કરતાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ સમલૈંગિક સંબંધ ધરાવે છે અને ગ્રિંડર નામની એપ્લિકેશન મારફતે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બંને લોકોએ ગ્રિંડર એપ્લિકેશનમાં પોતાની પ્રોફાઈલ અપલોડ કરી હતી અને અલગ અલગ શહેરોમાં અવારનવાર મળતા હતા. જોકે બંને વચ્ચે શારીરિક સંબંધો હોવાથી શારીરિક સંબંધમાં વધુ મજા લેવા માટે તેઓ ડ્રગ્સનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસની પૂછપરછમાં એવી હકીકત પણ સામે આવી છે કે ડ્રગ્સનો જથ્થો મુંબઈના કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યો હતો.
શારીરિક સંબંધ બાંધતા સમયે ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો
મુંબઈના વ્યક્તિ સાથે પણ શારીરિક સંબંધ બાંધતા સમયે ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે બાદ આ જથ્થો તેમની પાસેથી મેળવ્યો હતો. જોકે મુંબઈના વ્યક્તિ દ્વારા ગ્રિન્ડર એપ્લિકેશનમાંથી તેમની કોન્ટેક ડીટેલ ડીલીટ કરી દીધી હોવાથી પોલીસ હવે મુંબઈના વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે. આરોપી અશોક ઉર્ફે કાજલ સમલૈંગિક સંબંધોની ટેવ ધરાવતો હોવાથી તેના પરિવારથી તે અલગ થઈ ગયો હતો અને બાદમાં તે એનજીઓમાં નોકરી કરતો હતો, ત્યાંથી પણ તે નીકળી અને સમલૈંગિક સંબંધો ધરાવતા લોકો સાથે શારીરિક સંબંધો બનાવતો હતો. આરોપી અશોક અલગ અલગ જગ્યાની હોટલોમાં જઈને સમલૈંગિક લોકો સાથે શારીરિક સંબંધો બાંધતો હતો, જેમાં તે ડ્રગ્સનું સેવન પોતે કરતો હતો અને સામેવાળા વ્યક્તિને પણ કરાવતો હતો.
પોલીસે વધુ તપાસ શરૂ કરી
હાલ તો પોલીસે અશોક ઉર્ફે કાજલ તેમજ કલેજા ઉર્ફે પાયલની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસે પણ તપાસ શરૂ કરી છે કે આ બંને આરોપીઓના સંપર્કમાં અન્ય કોણ કોણ લોકો હતા, તેમજ કોણ લોકો ડ્રગ્સનું સેવન કરતા હતા. પોલીસ વધુમાં એવું પણ તપાસ કરી રહી છે કે ખરેખર આ ડ્રગ્સનો જથ્થો મુંબઈના કોઈ વ્યક્તિએ આપ્યો હતો કે પછી અન્ય કોઈ જગ્યાએથી ખરીદી કરી છે.