પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ આપતા ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે અને પાકિસ્તાનની અવરચંડાઈનો ભારતીય સેનાએ જડબાતોડ જબાવ આપ્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં ક્રિકેટ સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી મળી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સાઇબર ક્રાઇમ દોડતી થઈ ગઈ છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પાકિસ્તાનના નામથી GCAને આ ઈમેલ મળ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં અમદાવાદમાં ક્રિકેટ સ્ટેડિયમ ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ કરવામાં આવ્યો છે. વી વિલ બ્લાસ્ટ યોર સ્ટેડિયમનો મેઈલ મળ્યો છે. બોમ્બ સ્ક્વોડ સાથે પોલીસે તપાસ હાથ ધરી છે. અગાઉ પણ પાકિસ્તાન અને તેના અતંકવાદીઓ દ્વારા અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
પાકિસ્તાનના નામથી GCAને મેલ મળતા આ અંગે તરત જ અમદાવાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ અને બોમ્બ-સ્ક્વોડ દ્વારા સ્ટેડિયમમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
ઈમેલને ધ્યાનમાં રાખીને ચેકિંગ હાથ ધરાયું
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અંગે સિનિયર IPS અધિકારીએ જણાવ્યું હતું કે આ ઇમેલ પાકિસ્તાન જેકેના નામનો મળ્યો છે. આ ઈમેલમાં 'We Will Blast Your Studium' લખ્યું છે. આગામી દિવસમાં IPLની મેચ યોજાવાની છે અને તેથી ઈમેલને ધ્યાનમાં રાખીને તમામ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.